harishchandrne - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હરિશ્ચંદ્રને

harishchandrne

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
હરિશ્ચંદ્રને
ઉમાશંકર જોશી

અર્ધું મહાનગર વીંટતી, રમ્યભવ્ય

હૈ દ્વીપ-છાતી પર મંદિર નોત્રદામ,

વ્હે સૌમ્ય સેનસરિતા; અહીંનો તું જીવ

સેના-તટે જનમિયો કવિ ગુર્જરીનો.

બંધુ, હતું બહુ તને, હું પસારી પાંખો

ના ભારતે પણ ભારતપાર ભાળું.

ઝાલી હું અંગુલિ ફર્યો-ખબરે રહી ના.

તું લૈ જતો રમતમાં: અહીં જો, પુરાણ

ભૂમધ્ય સંસ્કૃતિમઢ્યો સર-શો સમુદ્ર.

સ્લાવ લોક, વળી ચેક પ્રજા, પણે ત્યાં

સર્બો તણાં પ્રખર શાં રણશૌર્ય! -આંગ્લો

ના એકલા કદી યૂરપમાં તું જોતો!-

મૂક્યો કદી પગ ત્યાં, પણ ભૂમિસત્ત્વ-

સંસ્કારશ્રી નસનસે ધબકંત તારી.

ખંડ, રાષ્ટ્રકુલ, લોકસમૂહ ન્યારા

હું જોઉં મોહું, નવ હૈયું ધરાય કેમે;

જોયેલ જેહ તવ સંગતિમાં શું પૂર્વે!

હું હવા શ્વસું, ભળે મહીં સ્નેહધૂપ

તારી ઉદારતર સંસ્કૃતિ-ચાહનાનો,

સર્વસ્પૃશંત તવ સંસ્કૃતિ સાધનાનો.

પૅરિસે ચમકતાં નમણાં શરાબી

સ્ત્રીઓ તણાં પ્રણયકંપિત લોચનોમાં

આભા તરે હૃદયની અભિજાત કોઈ.

ને સૌષ્ઠવે સુહત પુરુષો, તથાપિ

ક્યારેક જે સ્ફુરતી બુદ્ધિકઠોર મુદ્રા

સંસ્કાર-અંકિત મુખાકૃતિઓ પરે કો,

-ઉત્સાહ ત્યાં અદમ સત્યગવેષણાનો.

ગાઢ સેનસરિતા તટમેદનીમાં

જ્યાંત્યાં-બધે તરવરે તવ, બંધુ, ચ્હેરો.

હું પામવા કરું અહીં તવ, બંધુ, ચ્હેરો.

પૅરિસ,૧૦-૧૧-૧૯૭૧ (ધારાવસ્ત્ર)

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 86)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2005