અનામીને
Anamine
હરિશ્ચંદ્ર ભટ્ટ
Harishchandra Bhatt
હરિશ્ચંદ્ર ભટ્ટ
Harishchandra Bhatt
આંસુ વર્ષ્યા પછી હૈયું પોચું ભીનું થતું જરી,
ચિરાડા ચાસના ઊંડા પડેલા ચિત્તમાં વળી;
ત્યારે તું એકલો આવી ઓરજે બીજ અંતરે.
એકલો મેદની વચ્ચે, એકાન્તે હોઉ એકલો,
નિદ્રામાં, જાગતો હોઉં, અંતસ્તલ ઉખેડીને,
પામવો પાક તારે જે, બીજ તેવાં તું ઓરજે.
ધરાની કૂખ, ને નારી ક્યારે ક્યારેક જાણતાં
તેમ આ૫ણ બન્ને એ જાણશું; અન્ય કોઈ એ
જાણે ના તેમ તું આવી, અનામી! બીજ ઓરજે.
સ્રોત
- પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 13)
- સંપાદક : ઉમાશંકર જોશી
- પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની, મુંબઈ
- વર્ષ : 1959
