દલપતરામ
Dalpatram
(ઝૂલણા છંદ)
આજ આકાશ મંડળ દિસે ઓપતું, ભૂમિ મંડળ વળી સરસ ભાળ્યું;
રાજ મંડળ વળી રાજ દરબારમાં, ભભકતું આજ અતિશે નિહાળ્યું;
લહરિ આનંદની આજ ત્રણ લોકમાં, જાણિયે રાજનું તેજ ખૂલ્યું;
સરસ શોભા ઘણી કેની હું વર્ણવું. એકની નિરખતાં એક ભૂલું.
આજ આ શેહેરમાં સરસ રચના રચી, અવનીમાં જેમ વૈકુંઠ આવ્યું;
ધન્ય સાબરમતી નીર નિરમળ વહે, ધન્ય શ્રીનગર ભૂપે ભજાવ્યું;
દીપમાળા ભલી ઠામ ઠામે દિસે, લક્ષમાં લાવતાં ચિત્તે લોભે;
વાવટાની છબી શી કહું વર્ણવી, મેઘના ધનુષ સમ સરસ શોભે.
*
હાર હીરા મણી રચિત હઈયે ધર્યા, ખૂંપ હીરાતણા શીશ શોભે;
લટકતાં લૂમખાં હોય હીરાતણાં, નિરખવા સ્થિર થઈ લોક થોભે;
દ્વાર કેરી કમાનો દિવાથી ભરી, દેવિયે દામણી જેમ બાંધી;
દીપકો કમળ આકાર બે બાજૂએ, શ્રવણમાં ઝાલ બે જેમ સાંધી.
*
ત્યાં પતાકા ધજા તોરણો બાંધિયાં, બે ફુવારા દિસે કલશ થાપ્યા;
દીવડાં શીવડાં રત્ન દીપક રચી, દીપ દીક્પાળને જેમ આપ્યા;
જાણિયે એજ જળપ્રલયના સમયનું, મનુતણું નાવ ઘસડાઈ આવ્યું;
પક્ષી પશુ ઝાડ વળી સપ્તરૂષિ સહિતને, પ્રલયથકી હોય ઉગારી લાવ્યું.
સ્થીર છે ઝાડ કે તે કુવાથંભ છે, વાવટા શઢ બન્યા સરસ તેમાં;
છે રૂડાં શિખરો સરસ સુકાન સમ, દીપમણિ માળ છે માલ જેમાં;
રક્ત ને પીત લીલા રૂડા રંગની, ત્યાં પડે છે પ્રભા દીપ કેરી;
જેમ ભાનુતણાં કિર્ણના ભાસથી, ઇંદ્રધનુ કાંતિ ઉપજે ઘણેરી.
*
ચળકતી સરસ ચૌટા અને ચોકમાં, દેખીયે દીપતી દીપમાળા;
જાણિયે ધરણિયે અંગપર ધારિયા, હાર હીરામણીના રૂપાળા;
રાશિ નક્ષત્રનાં ચિત્ર રળિયામણાં, ઈશ્વરે આભમાં જેમ કીધાં;
તેમ દીપાવડી દીપમાળાતણાં, ચિત્ર વિચિત્ર શોભાવિ દીધાં.
*
કે ભલિ ભૂમિયે નેત્ર લાખો કર્યાં, નિરખવા આજ આનંદ આવો;
કે રૂડો રત્નભંડા૨ આ ઉઘડ્યો, આપવા લોકને સરસ લાવો;
કે પૂરા પુન્યથી આજ પૃથ્વી વિશે, મણિતણો અધિક વર્ષાદ વર્શ્યો;
દીપમાળા તણો સરસ દેખાવ તે, કવિતણે દીલ એવોજ દર્શ્યો.
*
પુત્રનું પ્રેમથી માત પાલન કરે, આપણું હિત સદા એમ કરશે;
વિવિધ વિદ્યાતણી ખૂબ વૃદ્ધિ કરી, હેતથી હરકતો સર્વ હરશે;
દેશીને શ્રેષ્ઠ અધિકાર તે આપશે, પૂરશે આશ સૌ રૂડી રાણી;
ખૂબ દિલ ખુશિ થઈ બહુ સ્વરે બોલજો, સજ્જનો સર્વ જયકાર વાણી.
1. શ્રવણ = કાન 2. મનુતણું = જાણે કે સાભ્રમતીની રેલરૂપી જળપ્રલયમાં નોહાનું નાવ ઘસડાઈ આવ્યું હોય એવે આકારે છે 3. સપ્તરૂષિ = તેમાં દિવા સપ્તરૂષિના તારા જેવા દેખાતા હતા 4. ચળકતી સરસ ચૌટા અને ચોકમાં, દેખીયે દીપતી દીપમાળા = તે દિવસ નગરશેઠને બંગલે તથા શેઠ માણેકજી મનચેરજી, શેઠ નવરોજજી પેસ્તનજી, ખાન સાહેબ નવરોજી કેકોબાદજી, શેઠ ખરશેદજી નસરવાનજી વાડીયા, શેઠ શાહાપુરજી સોરાબજી મોગલ, શેઠ ભગુભાઈ પ્રેમચંદ અને સ્વામિનારાયણના આચાર્ય એઓએ પોતાનાં મકાન દિવાથી તથા વાવટાથી શણગાર્યાં હતાં. કારંજવાળા શેઠ કાવસજી મંચેરજીએ સરસ રોશની બે દિવસ સુધી કરી હતી.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 54)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
