alang (jahajwaDo) - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અલંગ (જહાજવાડો)

alang (jahajwaDo)

ચન્દ્રકાન્ત ટોપીવાળા ચન્દ્રકાન્ત ટોપીવાળા
અલંગ (જહાજવાડો)
ચન્દ્રકાન્ત ટોપીવાળા

જહાજો ક્યાં ક્યાંથી જરઠ ઘરડાં જીર્ણ આવી ઊભેલાં

વીતેલી વેળાનાં જલ છબછબે છીછરા કાદવોમાં

ધ્રૂજે વાંકીચૂકી વિકળ છબીઓ, મ્લાન ધૂંધળાશે

હવા ડ્હોળાયેલી કરચલીભર્યાં વાદળો સાવ ફિક્કાં.

પીંખાયેલું રૂ કે ગલ રખડતાં એકલાં આમતેમ?

ઊડે કોરા રેતીકણ? નહિ, ક્ષણો કાળને હાથ ચૂર્ણ!

જહાજો સંભારે સભર દરિયે પ્હેલવ્હેલા વહેલા

વિલાસોને, મોજે છલકી ઊઠતાં વૈભવો ને મજાને.

નવા રંગે રંગ્યા ચક ચક થતાં માળ ને કૈંક સીડીઓ

ધજાઓ લહેરાતી અરુપરુ ઊભી કૅબિનોની કતારો

પુલો ને રેસ્તુરાં ધમધમત થિયેટરો કૉફીબારો

સુરા ને સૂરોની રમઝટ, ઝૂમે ટ્વિસ્ટ ને ઝૅઝનાદો.

જહાજો સ્વપ્નોની તૂટતી નીરખે ભવ્ય જાહોજલાલી!

હથોડા ટીપાતા ધસમસ ધસી આવતો ક્રેઇનફાંસો

ઘૂમે રાતી ચારેગમ અગનને ઓકતી ગૅસજ્વાલા

ઊંડું કાપે પાડે ધડધડૂસ કૈં પાટની પાટ ભૌંયે

ઉશેટે ડાચાથી ડગડગત બુલ્ડોઝરો જે મળ્યું તે

ટ્રકો તોડ્યું ફોડ્યું સઘળું હડપે ઘૂરકે જાય આવે!

જહાજો ક્યાં? ક્યાં છે ક્ષિતિજ ભરી દેતી જહાજોની હસ્તી?

અહીં ભંગારોના ઢગ ઢગ ઊભા થાય ધીમેક ખાલી

ધગે ભઠ્ઠા વેરે અસહ તણખા અગ્નિના ભાંડ ભાંડે

નર્યા લાવા જેવો રસ ખદબદે ઊકળે લાલચોળ

નીકોમાં રેડાતા વહી વહી ઠરી વ્હાર ઠેલાઈ ત્યાં તો

નવી તાજ્જેતાજી ચક ચક જુઓ આવતી સ્ટીલ-પ્લેટો!

જહાજો! યાત્રાઓ અગણિત તમે દીધી છે જોજનોની

હજારો યાત્રીને, નિત નિત નવાં બંદરો દાખવ્યાં છે!

અજાણ્યાં દૃશ્યોને નિકટ ધરીને દૂર કીધાં અદૃશ્ય

તરંગોની છોળે લખલૂટ કરાવી તમે સ્હેલગાહો!

તમે યાત્રા આજે ખુદ શરૂ કરી, જીર્ણતાને વટાવી

વટાવી ભંગારો ચક ચક નવા બંદરે નાંગર્યાં છો!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 205)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004