Ajashishu - Metrical Poem | RekhtaGujarati

(ઉધોર)

પેલું બકરીકેરું બાળ,

વિખૂટું માડીથી આ કાળ;

ઊભું ઉચ્ચ ગિરિને શૃઙ્ગ,

કોઈ નાહી એની સંગ.

ઊજળું બરફસમ સોહાય,

પાછળ શિલા શ્યામ જણાય;

કરતું કરુણરવ કંઈ મન્દ,

વીસરી સહજ નિજ આનન્દ.

પડઘા થાય ગિરિની માંહ્ય,

સુણી તે ભૂલ માંહી ભમાય;

જાણે બોલી મોરી માય,

દેખે નહિ અધિક અકળાય.

કરતું અધિક ઊંચો નાદ,

ધરતું માડીકેરી યાદ;

ચોગમ બાળ જોતું જાય,

વાંકી ધવળ ડોક સુહાય.

નીચે ગાઢ ઝાડી ઘોર,

માંહીં સાવજોનો શોર;

સુણીને બાળ શું ગભરાય!

ક્યાંથી માડી સોડ લપાય?

“ધીરજ ધર તું, વ્હાલા બાળ!

આ હું આવું છું તત્કાળ.”

બોલી એમ મેં તે વેળ,

ટેકરી ટોચ પર જઈ સ્હેલ,

લીધું ગોદમાં અજબાળ,

ચુમ્બન કીધલાં દસ બાર;

ઊતરી કઠણ પર્વતવાટ,

મૂક્યું બાળ જ્યાં હતી માત;

લાગ્યું ધાવવા તત્કાળ

મારું મીઠું અજનું બાળ;

ને જો! નદીમાં અજશાવ

ધાવે માતને ધરી ભાવ!

થાતાં તૃપ્ત છૂટ્યું એહ,

શોભી અધિક ઊજળી દેહ;

નાચ્યું શિશુ ધરી ઉછરંગ,

નાચ્યું હૃદય મુજ તે સંગ.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 153)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ