aDwani antaraktha - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અડવાની આંતરકથા

aDwani antaraktha

હરિકૃષ્ણ પાઠક હરિકૃષ્ણ પાઠક
અડવાની આંતરકથા
હરિકૃષ્ણ પાઠક

આમ તો અડવો જો કે પ્હેલેથી બાંગરો હતો,

કોક વેળા અમસ્થો મૂંગોમંતર થૈ જતો.

તરંગે ચડતો ત્યારે ભૂલી યે જાય જાતને,

આળસુ હોત ઓછો તો મોટો માણસ થાત ને?!

ગુંજતો ગીત છાનાં ને ચિત્તમાં કૈંક ચીતરે,

લાગતો બ્હારથી બાઘો-જાણતો ભીતરે.

મુખની રેખ એવી કે ઓળખીતાં ભૂલી જતાં;

ગંમતો ચાલતી એથી; ચાલે વ્હેવાર છતાં.

દૂભવી કોકને પાછો છૂપો આનંદ પામતો,

ઇચ્છા-આશા-અપેક્ષાઓ થામતો ને ઉથામતો.

થોડો શો ભાવભીરુ છે, થોડો છે અળવીતરો;

રંગ મેળવણી એવી-કેમે ના જાય ચીતર્યો.

વાંકો ને વાંક દેખો ચાહે માણસજાતને;

કોરો ધાકોર રહૈ જાતો કાંઠે જળપ્રપાતને.

રમૂજીલાલ જેવું જોકે નામ ધરે નહીં,

શોકની કો’ક છાયાને ગોપવે ચિત્તની મહીં.

આળો છે, કાંક ભોળો છે, સ્હેજમાં વટકી જતો

આરંભે ખૂબ શૂરો ને મધ્યમાં અટકી જતો.

આપ છે અડવો તેથી અડવાને વખાણતો,

જાણતો પંડજોગું ને પંડજોગું પ્રમાણતો.

કૌપીને લપટ્યો બાવો, બાવાનો કારભાર છે;

છૂટવા બાંધતો કર્મો, –સારનો સાર છે.

શ્વેત ને શ્યામ ધાગાથી પોત આડવ્યનું વણ્યું;

થોડું કાનમાં કીધું : ગણી લેજો ઘણું ઘણું

લખેલા લેખ તો જો કે મિથ્યા થાય કદી કદી,

જીવતો અડવો રે’શે-જીવે માણસ જ્યાં લગી.

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 109)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008