rajhansne sambodhan - Metrical Poem | RekhtaGujarati

રાજહંસને સંબોધન

rajhansne sambodhan

કાન્ત કાન્ત
રાજહંસને સંબોધન
કાન્ત

બહુ દિવસથી સ્વેચ્છાએ તેં પ્રવાસ શરૂ કર્યો,

સર સરિત કૈં જોતાં જોતાં અનેક જગે ફર્યો;

હજી પણ, સખે! પાસે આવ્યું માનસ તો દીસે,

વિરતિ કરી લે માટે આજે હવે સ્થલ વિષે!

વિકટ વનથી થાકી દૃષ્ટિ જરા અહિંયાં ઠરે,

અનિલ લહરી આવી પાસે તનુશ્રમને હરે;

મૃદુ રવ વળી ધીમે ધીમે વહી ઝરણાં કરે,

સકલ રચના મેળે મેળે પ્રસન્ન તને કરે!

અનુભવ નથી રસ્તાનો કૈં હવે પછીના તણો,

શ્રમ પણ, સખે! આગે જાતાં કદાચ પડે ઘણો;

ત્વરિત થતાં માટે આંહીં જરા ઠરવું ઘટે,

મધુર જલમાં ચિંતા છોડી જરા તરવું ઘટે!

કમલવન છે ક્રીડા માટે સમીપ મનોહર,

કુસુમિત લતાઓમાં પેસી પરાગ બધે ભર;

ક્ષણ સુખ તણી આવી પાછી કદાચ મળે નહીં,

અવર વીસરી એકત્વે થા તું સાંપ્રતની મહીં!

(જાન્યુ.-૧૮૯૦)

સ્રોત

  • પુસ્તક : પૂર્વાલાપ (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સંપાદક : વિનોદ અધ્વર્યુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2000