
ચાપહીન થયે એને ઊર ઉત્સાહ ઓસર્યો,
ને વાધી પલમાં પાછો ગદાથી એ કુદી પડ્યો.
ઘૂમન્તો કૌરવોના અતલ ગગનમાં મેઘ શો ચંડમૂર્તિ,
ઝીલન્તો શત્રુવર્ષ્યાં પરશુ શર અને તોમરો અગ્નિતીખાં
વીંઝન્તો વેગથી એ વિષમ વડિ ગદા કાળની શક્તિ જેવો,
કૂદી ઉન્મત્ત ઘેલો કુરકુલદલને છૂંદતો ઘાતઘાતે.
જેવો કમલિની કેરી કુંજે કુંજર કૂદતો
એમ કૌરવકુંજોમાં કૂદતો પાંડુકુંજર.
પ્રૌઢા પાદપ્રહારે ધરણિ ધમધમાવન્ત ભૂકમ્પ જેવો,
ગર્વીલા સિંહનાદે ગહન ગગનના ગાભને ગાળનારો,
હારેલા તાત કેરા, તુમલ લઈ ગદા, વૈરને વાળવાને
તૂટયો દૌ:શાસનિ ત્યાં, રણરમણ ચડ્યા શૂર સૌભદ્ર માથે.
ભર્યા જેમ ઘનો ગર્જી આથડે આભઆંગણે
તેમ જોબનઘેલા બે આખડ્યા સમરાંગણે.
ઝંઝાવાતો સમા એ ઘુમિ ઘુમિ ઘુમિને લોક કમ્પાવનારા,
તોળી તોળી ગદા એ કડડડ કરતી ઝીંકતા સામસામા
ગર્જીને દાખવન્તા નિજ કરબલ એ મત્ત માતંગ જેવા,
ખેલન્તા શૌર્યકેરાં સમર, અમરને આંજતા, યૌવનાળા.
મત્ત માતંગ સા વંને કરકૌશલ દાખવી
વિસ્મયે ભયથી હર્ષે શૂરનાં ઊર પૂરતાં.
સરર તોળિ ગદા અભિમન્યુએ કડડ ઝીંકિ જદા પ્રતિપક્ષિ શૂં,
ચરર ચિત્ત ચિરાઈ જતાં તહીં ‘અરર!’ ઘોષ થયો કુરુસૈન્યમાં.
પણ ત્યાં અંગચાપલ્યે સરકી કુરુકુંજરે
ઝીંકી ભીમ ગદા સામી કરતાં ગર્વગર્જના.
સ્વબલથી અભિભૂત જ એ થયો, ક્ષિતિતલે અભિમન્યુય ત્યાં પડ્યો;
કડડ કંપ્યું અનન્તનું આંગણૂં, ખળભળ્યા ક્ષિતિના સહુ સન્ધિઓ.
પડ્યા ભૂમિ પરે બંને વીરો ત્યાં નિજ વેગથી,
પણ ત્યાં પલમાં પાછો દૌ:શાસનિ ઉભો થયો.
ઊભો થતાં જ ઊઠતા અભિમન્યુ માથે
વિદ્યુત્ સભી નિજ ગદા પળમાં જ ઝીંકી:
વ્યાયામશ્રાન્ત રણવીર રણે હણાતાં
ગાજી રહ્યો કુરકુલાંકુર સિંહનાદે.
ગૌરક્ષા કાજ ચાલ્યા નિજ જનક તણી આમ કર્તવ્યપૂર્તિ
થાતાં, એના શરીરે અમર દિપિ રહ્યો એક આનન્દજ્યોતિ:
ઉત્કંઠી અપ્સરાઓ અમર કુસુમ ત્યાં વીરને અંગ વર્ષે
ડૂબન્તો ભાનુ યે ત્યાં કનક કિરણથી વીર્ય એનાં વધાવે.
સૂર્યમંડલ ભેદીને વીરનો જ્યોતિ આત્મનો
બ્રહ્માં ભળતાં, વિશ્વે શોકોદધિ ફરી વળ્યો.



સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 32)
- સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1931