દામોદર બોટાદકર
Damodar Botadkar
(રોલા)
સૌરભથી સંસિક્ત, ભલે નહિ હૃદય તમારાં,
છો આવે નહિ પાસ, મધુવ્રત મધુ હરનારાં;
કરી મનોહર માળ ભલે જન કંઠ ન ધારે,
નિજ ઉપવનની માંય ભલે માળી ન સ્વીકારે.
પણ આવળનાં ફૂલ! તમે મુજ અંતર ગમતાં,
આ નિર્જન વનમાંય સદાયે રહેજો રમતાં;
ઉગ્ર તપે આદિત્ય, પાંથ ભીંજે પ્રસ્વેદે,
બળતાં લોચનમાંય શીતતા કોઈ ન સીંચે.
ત્યાં સુંદર સમુદાય તમારો ઉર આકર્ષે,
શો વધતો વિસ્તાર હીંચતો અવિરત હર્ષે!
દૂર અતિશય દૂર સુધી પથરાઈ રહેલાં,
ઊંચી નીચી ડેક કરી કુતૂહલથી જોતાં.
સોના કેરી પીત પાથરી ચાદર જાણે,
બાળરવિના પિંડ સમાં ચમકો ચોપાસે;
આવી અચાનક અનિલ ભેટતો ભાવ ભરેલો,
લેઈ જવા નિજ સંગ કરી કૈં યત્ન રહેલો.
ડોલતી ડાળી સંગ તમે ચોંટી શાં રહેતાં!
કંઠ હલાવી કાંઈ નકાર અનિલને કહેતાં;
સ્વાર્થપંથે પળનાર ભલે તમને જગ ભૂલે,
પણ વીસરે ન વસંત, ખીલવી તમને ખીલે.
કુદરત કેરાં બાળ! તમે એને બહુ વ્હાલાં,
ઉચ્ચ દઈ આરોગ્ય સદા હૃદયે રાખેલાં;
માળીના અતિ ક્રૂર નખરનો ઘાત ન જોતાં,
નહિ ક્યારે નિજ દેહ અકાળ મરણથી ખોતાં.
ક્યાં એ ફૂલ ગુલાબ, મોગરો માલતી મોંઘાં,
જન્મ તણી સંગાથ મૃત્યુ કેરું મુખ જોતાં;
ક્યાં કંચન શાં અંગ સહિષ્ણુ શાંત તમારાં!
સ્હેતાં પણ સંતાપ સતત હૈયે હસનારાં.
સગુણ હૃદયને બંધ જગતના પરવશ કરતા,
નિર્ગુણને નહિ લેશ નઠોર બની એ નડતા;
એ સાચો સિદ્ધાંત શીખ્યો હું તમને જોતાં,
નિર્ગુણ બ્રહ્મ સમાન તમે જગથી કૈં જુદાં!
ગિરિકંદર, ગિરિશૃંગ વિષે પણ વાસ વસો છો,
જોઈ જગતના રંગ હૃદય દિનરાત હસો છો;
સાદું જીવન સાફ ભવ્ય આનંદ ભરેલું,
માયાતીત મનોજ્ઞ મિષ્ટ તમને જ મળેલું.
હીંચો વ્હાલાં બાળ! અનિલલહરી ઉપજાવો!
મુજ અંતરને એમ નવલ કૈં નાચ કરાવો!
નિર્મળ કાવ્યતરંગ વધે પ્રતિપળ ઊભરાતા,
ભૂલે ક્ષણ સંસાર તણી મૂંઝવતી માયા.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 173)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
