aatithya - Metrical Poem | RekhtaGujarati

આગંતુકે પગથિયાં ચડતાંની સાથે

પોતાનું હોય ઘર એમ જાણી લીધું;

ખંભેથી ખીંટી પર કોટ ભરાવી તો

બેઠો, ગયો બની પળે ઘરનું અંગ

એનું સદાનું ફરવું બની પાણિપાત્ર,

આતિથ્ય તોય અકળાવી રહેતું મોંઘું :

શી શાન્તિી આ! અતિથિ ને યજમાનની ના

એને નડી જનમ–જૂની અહીં જુદાઈ.

આતિથ્યનો અવધિ છેક ભુલાઈ ચાલ્યો,

એેવો ગયો હળીભળી, પણ એની રીતે;

રોયોહસ્યો દુઃખસુખેય કુટુંબ કેરાં,

ને હક્ક સૌ ફરજ સાથ માગી બેઠો!

(ર્હેતી ઘડાતી, ઘરજીવનમાં ગુંથાતી

તે સ્વભાવગત શાણપ શેય જાણે!

ખીલ્યાં પરસ્પર સુહાવી સુગંધરંગ

ક્યાં બાગનાં કુસુમ, ક્યાં વગડાઉ છોડ!)

ને એક દી ફરીથી જાગતી જૂની ધૂન

યાત્રા અનંત, અટકેલી, બઢાવવાની :

એકેક માંડી ડગ, કોટ ભરાવી ખંભે

જાણે હોય ત્યજતો ઘર એમ ચાલ્યો!

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑગસ્ટ, 1980 (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ