નર્મદ
Narmad
ઊઠો રે ગુજરાત પુત્ર સજો જુદ્ધ કાજે,
પૂર્વ રંગ પેખવાને રણ ઘુમો સસાજે,
દેશ કરો રણક્ષેત્ર દિવ્ય ને વેપાર બ્હોળો,
(તેહ) કીર્તિ રંગ માણવાને રણે શૌર્ય તોળો,
સિદ્ધરાજ ભીમ ભોળો એનું જાણી ઝૂઝો,
દુઃખથકી મુક્ત થવા નથી ઉપાય દૂજો.
(ઝીલ)
હાં હાં રૂડાં રણશૌર્ય દાખીશૂં,
હાં હાં ભુંડા શત્રુ આટી નાખીશૂં,
જય જય થતાં લગી જરી ન ઝંપીશૂં
કનક કુટુંબ પ્રાણ સધું અર્પીશૂં -
આપણે ગુજરાતી, આપણે ગુજરાતી,
આપણે ગુજરાતી.
બેડીએ જડાઈ અવટાઈ જશો ક્યાં રે,
છેક થશે દુર્દશા તો ફાવશો ક્યમ ત્યાં રે,
ભારમાં તો છો હજૂએ સ્હાય કોઈ દેશે,
સાધનો પણ છે હજૂએ હામ પુરી રેશે,
આજ છે સમો ખરો સહુ ઢીલ કરવી છાંડો,
ઊરના ઉમંગ થકી જુદ્ધ બાજી માંડો.
(ઝીલ)
હાં હાં રૂડાં રણશૌર્ય દાખીશૂં,
હાં હાં ભુંડા શત્રુ આટી નાખીશૂં,
જય જય થતાં લગી જરી ન ઝંપીશૂં,
કનક કુટુંબ પ્રાણ સધું અર્પીશૂં -
આપણે ગુજરાતી, આપણે ગુજરાતી,
આપણે ગુજરાતી.
સુઃખ થકી શક્તિ ઘુમે સુખ યશાળ સ્હોએ,
પેટને મળે ન ત્યારે રક્ત ક્યાંથી હોએ,
આપી દીધે સંધુ ભયે હાડ ચામ રેશે,
સંતતી રઝળતી થશે મઉ ગુલામ વેશે,
આજ કાલ દેશ સર્વ સુખ સ્વતંત્ર સારૂં,
કીર્તિ થકી દાખવાને નીજરંગ ચારૂ,
(ઝીલ)
હાં હાં રૂડાં રણશૌર્ય દાખીશૂં,
હાં હાં ભુંડા શત્રુ આટી નાખીશૂં,
જય જય થતાં લગી જરી ન ઝંપીશૂં,
કનક કુટુંબ પ્રાણ સધું અર્પીશૂં -
આપણે ગુજરાતી, આપણે ગુજરાતી,
આપણે ગુજરાતી.
ઊતરી રણે ને રક્ત પુત્રતણું આપે,
હારી જીતી કોઈ રીતે નામ ઊંચું થાપે,
કાં ન શત્રૂ કહાડવાને જુદ્ધે ઝંપલાવો,
નર્મદ છે હોંસ ભર્યો રણનો લેવે લ્હાવો.
(ઝીલ)
હાં હાં રૂડાં રણશૌર્ય દાખીશૂં,
હાં હાં ભુંડા શત્રુ આટી નાખીશૂં,
જય જય થતાં લગી જરી ન ઝંપીશૂં,
કનક કુટુંબ પ્રાણ સધું અર્પીશૂં -
આપણે ગુજરાતી, આપણે ગુજરાતી,
આપણે ગુજરાતી.
સ્રોત
- પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 125)
- સંપાદક : રમેશ મ. શુક્લ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2015
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
