jatoto suwa tyan – - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જતો'તો સૂવા ત્યાં –

jatoto suwa tyan –

રામનારાયણ પાઠક 'શેષ' રામનારાયણ પાઠક 'શેષ'
જતો'તો સૂવા ત્યાં –
રામનારાયણ પાઠક 'શેષ'

[શિખરિણી]

જતો'તો સૂવા ત્યાં ડસડસ સુણી રોતી સજની,

ગયો; દીઠી ડુસ્કાં ભરતી ઉશીકે મોં ઢબૂરીને;

બિછાને બેઠો જૈ, ઊંચકી મુજ સ્કંધે શિર મૂક્યું,

કપોલે પંપાળી, નયનજલ ભીંજેલ લમણે,

શિરે, પૃષ્ઠે આખે કદલીદલ લીસે, ફરી ફરી

અને અંગે અંગે મૃદુ કરથકી થાબડી બધે.

રહે તોયે છાની! હિમ શી મુજ ગૌર પૂતળી

ગળી જાશે અશ્રુમહીં હિમ શું? એવી રુએ!

પછી જેવું ઘોડાપૂર વહી જતાં સિન્ધુ નીતરે

રહે કૈં સંક્ષોભ પ્રતિલહરીમાંહી ધબકતો;

શમ્યું તેવું તેનું રુદન, રહ્યું કૈં શેષ શ્વસને;

સુવાડી ત્યાં ધીમે, શયનતટ બેઠો નજીક હું,

અને વીંટાઈ, તરુ ફરતી વેલી સમ, સૂતી,

મૂકીને વિશ્રંભે મુજ ઊરુ પરે શ્રાન્ત શિરને!

નિશા આખી જેવું ટમટમ કરી વર્ષતી રહી

કરે ઘેરું વાતાવરણ બધું, ને જલનાં

કણોથી પો ફાટ્યું, અજબ મધુરું ઉજ્જ્વલ હસે!

હસી તેવું, અશ્રુ હજી કહીં ટક્યાં ઉજ્વલ કરી!

રડી શું ને પાછી હસીય શું? જાણ્યું સજનીએ,

હું તો શું? ને ભાગ્યે સમજીય શકે મન્મથ સ્વયમ્!

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ રા. વિ. પાઠક (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012