janmadivas - Metrical Poem | RekhtaGujarati

(પૃથ્વી)

અનન્ત યુગ ઊતર્યા, હજી અનન્ત આવી જશે!

સુઅલ્પ જીવની શી ત્યાં કથનયોગ્ય કા’ણી હશે?

અનેક યુગ ને ક્ષણો થઈ રમી નિરાળો રમે.

પ્રવાસ નિજ પેખતાં નિજ શું ગાન-આનંદ લે.

અપાર સુખ સાંપડ્યાં, વિપત વેઠી વંઠી ગયો,

તથાપિ રમતો સદા, ઉભય પાર ઊભો રહ્યો,

યુવા, રસિક, બાલ કે તરુણ, વૃદ્ધ, ભોગી, યતિ,

દુઃખ, સુખ ના કહીં; –નિજશું નિજની રતિ.

દાહ હૃદયે કશો, નયનમાં આંસુ વસે,

બુદ્ધિ લથડે કહીં, નથી ઉપાધિ ઇચ્છામિષે;

રડે કહીં પડે દુઃખે મનથી પાછલાને સ્મરી,

કૃપણતા ભરી, લઘુતા, સ્વઉરે જરી;

ફાંસ નડતી કશી, મનમાં ઉછાળો કશો;

અપાર તિમિરે હીરો પ્રકટ હાથ આવી વશ્યો :

અગાધ સમતા જડી વિકટ જાલ મમતાની માં,

ખરે! ગયાં વરસ તે કદીયે જમાયે ગયાં!

સ્વરૂપ સમજે તે અરૂપમૃત્યુમાં આથડે,

સ્વરૂપ રમતે ગયાં વરસ તે ફરી છો જડે,

હજાર હજી નીકળે, ક્ષણ એક વા ઊગરે,

જીવ્યું જીવન જીવવું-અધિક, સાર્થ, સાનંદ છે.

સ્રોત

  • પુસ્તક : મણિલાલ દ્વિવેદી સંચય (પૃષ્ઠ ક્રમાંક 176)
  • સંપાદક : ધીરુભાઈ ઠાકર
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002