રાજેન્દ્ર શાહ
Rajendra Shah
નાની, પ્રિયે! કુટિર આપણી તોય એમાં
આનંદ શો અમિત ગુંજરતો સદાય!
પ્રાપ્તવ્ય કર્મ મહીં આપણ લીન જેનાં
આસ્વાદતાં ફલ કંઈ, રુચિ જેટલાં જ.
ઝાઝેરું તે જગતમાં દઈએ બિછાવી
ને આપણું વહનભારથી મુક્ત ભાવિ.
તું બ્રાહ્મવેળ તણી શાન્તિ વિશે સુમંદ
ગાતાં દળે નિતનું ધાન્ય, હું જાગું ત્યારે.
ને તાહરાં દીધ જમી દધિ, ક્ષેત્રપંથ
લેતો, હવાની લહરે હસતી સવારે.
ચારો ત્યજી ધણ ઢળે તરુ-છાંયડીમાં,
મધ્યાહ્ન ભાત મધુરો તવ ગોઠડીમાં.
સાંજે યદા શ્રમિણ સૂર્ય નમે દિગંતે,
સોહાય સ્વર્ણિમ પ્રભા થકી શી ધરિત્રી!
ત્યાં આપણે ઘર ભણી વળીએ ઉમંગે,
વાજી રહે ઘૂઘરમાં પશુ કેરી મૈત્રી.
જો એમણે ધરી ધુરા, પ્રિય! આપણી, તો
તેં એમનો શિર પરે તૃણભાર લીધો.
અંજાય નેત્ર મહીં શીતલ અંધકાર,
થાતાં તદા ઉભય નિંદરને અધીન.
જ્યાં એક સેજ, જીવ બે, પણ એક પ્રાણ
સારલ્ય ત્યાં મન અચંચલ સ્વપ્નહીન.
ને જાગીએ ઉભય કાલ તણે ઉછંગ,
આનંદ અંગ નવજન્મથી સ્ફૂર્તિમંત
સ્રોત
- પુસ્તક : રાજેન્દ્ર શાહનાં ૧૧૧ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 13)
- સંપાદક : પ્રસાદ બ્રહ્મભટ્ટ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
- વર્ષ : 2004
