aakha shiyala wishe - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આખા શિયાળા વિષે

aakha shiyala wishe

દલપતરામ દલપતરામ
આખા શિયાળા વિષે
દલપતરામ

(ભુજંગી છંદ)

સખી એક બીજી સખીને કહે છે, અરે આવિયો શીતનો કાળ છે;

અનંતા જિવોને ભરાવ્યો ઉચાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

શિળા વાયુના સૈન્યને સાથ લાવ્યો, હણી બાણ વર્ષાદને તો હઠાવ્યો;

અરે નાસતો નીરદાતા નિહાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

દિસે જેમ વસ્ત્ર લુંટાઈ ગયાથી, થયું એમ આકાશ અભ્રો જવાથી;

ગયું ઇંદ્રનું ચાપ તો સંભાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

તળાવો નદીઓ તણાં પૂર તૂટે, ખજાના તણાં દ્રવ્ય તે જેમ ખૂટે;

હઠાવે કિનારા બધાને હઠાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

લીલી સાડિયો જે ધરાએ ધરેલી, દિસે સર્વ તે કાપી ચૂરા કરેલી;

મટ્યો રાજવી વેષ રૂડો રૂપાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

સહુ ઠામથી નીર સુકાવી દે છે, રિપૂ જેમ લોહી ઘણું ચૂસી લે છે;

શિલાઓ ઉઘાડી દિસે હાડમાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

કંઈ જીવજંતુ ગુફા મધ્ય પેસે, ડરી શત્રુથી જેમ સંતાઈ બેસે;

કરે લોકના મુખનો રંગ કાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

કઈ તો તપસ્વી થઈ તાપ તાપે, કઈ લોક અગ્નિ વિષે હોમ આપે;

કરે યજ્ઞનો ચાહિને એમ ચાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

ધર્યાં બખ્તરો તુલ્યનાં વસ્ત્ર જાડાં, થશે શત્રુના શસ્ત્રને જાણી આડાં;

છબે તોય હોઠે કરીને ઉછાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

થઈ શેલડી તો વડી સુરસાળા, રિપૂ ભૂપના ભાળિયે જેમ ભાલા;

સુખે ભોગ્ય શ્રીમંતને તો રસાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

વધી રાત્રિકા ને થયો દીન છોટો, બુરા રાજમાં જેમ અન્યાય મોટો;

વધે કૈંકના કાળજામાં કંટાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

વિના પાનવાળાં કર્યાં ઝાંડવાંને, રિપૂ ભૂપતિ જેમ લૂંટે પ્રજાને;

દિસે પ્રાણિયોનો જથો દુઃખવાળો, સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008