aakash ne - Metrical Poem | RekhtaGujarati

આકાશને

aakash ne

કલાપી કલાપી
આકાશને
કલાપી

અહો! કૈં ખેંચાણો તુજ ઉદરમાં આથડી રહ્યાં,

વલોવાતા ગોળા ગણતરી વિનાના ઘૂમી રહ્યા;

ફર્યા એ કૈં કોશો અગણિત ફરીને લય થશે,

હતા જે સ્થાને ત્યાં ફરી નવ અડ્યા, વાન અડશે!

અહો નાના નાના ટમ ટમ થતા દૂર દિસતા,

અને નાની નાની ગૂંથણી ઝુમખાંની ગૂંથી રહ્યા;

પરન્તુ પાસેથી કદ કદી મપાઈ નવ શકે,

અને કલ્પી તેનાં મનુ નવ કદી અન્તર શકે!

અરે! આવા કૈંનો લય થઈ જઈ ઉદ્ભવ થશે,

અને તોયે એ સૌ તુજ ઉદરની મધ્ય જ હશે;

અહીં, ત્યાં, ત્યાં દૂરે, તુજ ઉદરનું મધ્ય જ બધું!

નહીં છેડો તેનું નવ કયું હશે સ્થાન વચલું?

ભરેલું શું તારું ઉદર સઘળું પૂરણ હશે?

અરે વચ્ચે સૌ તો અગણિ સ્થળો ખાલી જ હશે;

બધાં આ બ્રહ્માંડો અણુવત્ નકી તું- ઉદરમાં,

અને નાના લીટા જરૂર અજવાળાં રવિ, તણાં,

પછી તો અન્ધારું તુજ ઉદર શું ફેલી જ રહ્યું!

વસે છે તું જેમાં, તુજ ઉદરમાં જે વસી રહ્યું!

જરા તે રેલે તો પ્રલય સઘળાનો થઈ જતો,

જરા સંકોચાતાં ઉદ્ભવ થતો આ જગતનો.

તમે બન્ને એવાં પણ અમ કને એવું જ કંઈ,

અમારું હૈયુંયે તમ ઉદરશું છે નકી નકી!

તમારી પાસે કૈં અમ હૃદયનું માપ ન મળે,

તમોને ના માપે જનહૃદય તે માપી ન શકે!

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 2004