aakarshan - Metrical Poem | RekhtaGujarati

પિછાન નથી પૂર્વની, નથી સ્વાર્થતૃષ્ણા કશી,

છતાંય ઘસડાઉં કાં તુજ અહેતુ સાન્નિધ્યમાં?

યાદ ગતકાળની, પ્રથમનો મેલાપ આ;

નવીન બધું: તથાપિ ઘર જેવું લાગ્યા કરે.

તરંગ ગણી નિમીલિત દૃગે નિહાળું ઉરે,

તદા અતલ નીરમાં તુજ સુરમ્ય છાયા પડે;

પ્રક્ષુબ્ધ જલ કરે, દશદિશે કિનારા ઘસે:

પ્રભુત્વ તુજ છાંયનું અણુ અણુ ડગાવે મને.

અને ઝબકી છાંયથી નિરખું; આપણા બે વચે

અંતર રુચે. અજાણ ઘસડાઉં, છો તું પૂછે,

‘પિછાન નથી?’ છે પિછાન ઘસડાઉં છું તે મહીં,

‘સ્મૃતિ ન?’ અનુભૂતિ સંગ તણી વર્તમાને રહી.

તન્મય અધીરને ભવિષ ભૂત કો કાળ છે;

સકમ્પ બસ વર્તમાન અનુભૂતિને એક છે.

પિછાન નથી વા હશે સકલ હાથ તારે રહ્યું:

હું તો અદમ ઊઠતી ભરતી, પાય તારે ધરું.

સ્રોત

  • પુસ્તક : મનડામાં મોતી બંધાણું (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : ડૉ. જયન્ત પાઠક, પ્રા. સનતકુમાર મહેતા
  • પ્રકાશક : જ્યોતિ મુ. પારાશર્ય
  • વર્ષ : 2005