Aagboat - Metrical Poem | RekhtaGujarati

આગબોટ

Aagboat

દલપતરામ દલપતરામ
આગબોટ
દલપતરામ

જોઈ લ્યો અધિક શોભિત આગબોટો,

પૈડાતણો તન વિષે નથી કાંઈ તોટો;

જો ઠામ ઠામ બહુ બંધન નાડિયો છે,

જાણે ગરીષ્ટ જળ માર્ગની ગાડિયો છે.

*

જે દોડતી જળ વિષે જલદીથી જાતી,

તે તો જણાઈ સ્થિર લંગરથી ઠરાતી,

જાણે પ્રમત્ત ગજ માવતના કહ્યાથી,

ઊભો રહ્યો સબળ અંકુશ વાવર્યાથી.

*

અગ્ની તથા પવન બે મળી પંથ પાડ્યો,

જો અઘાત જળનો મહિમા ઘટાડ્યો;

જાણે જળે દહનથી અતિવેર કીધું,

બે મિત્ર સંપ કરીને મળિ વેર લીધું.

*

ઊગે શશાંક ભરતી નિધિમાં ચડે છે,

તે દેખી એવી ઉપમા ઉરમાં અડે છે;

જાણે સુપુત્ર નિરખી હરખે પિતાજી,

પ્રીતિ અધીક ઉભરાય જણાય રાજી.

*

જો સૂર્યબિંબ નિધિના જળમાં જણાય,

તે દેખી એવી ઉપમા ગણતાં ગણાય;

કાયા સમુદ્રતણી નીરમયી રહી છે,

ચૈતન્યશક્તિ તનમાં ચળકી કહી છે.

જો વાદળું ઘન વિના ક્ષિતિજે જણાય,

તે શ્વેતરંગતણું દેખી વિચાર થાય;

જાણે ગિરિ બરફનો તરી કોઈ આવે,

એવી ચમત્કૃતિ પ્રભૂ બહુધા બતાવે.

જો આગબોટ જતી આવતી દૃષ્ટિ થાય,

આકાશ દીશ અતિ ધુમ્ર જતો જણાય;

જ્વાળામુખી નિધિથકી નિસરેલી જેમ,

આભાસ થાય જનને નિરખ્યાથી એમ.

આકાશ દીશ ચડતો વળિ ધુમ્ર જોઈ,

એવો વિચાર કરશે કવિરાજ કોઈ;

વંટોળિયો જળતણો નિધિમાં ચડ્યો છે,

ઊંચો અતિ નભ વિષે જઈને અડ્યો છે.

જાણે ભુકંપ નિધિમાં અતિશે થયાથી,

તો નવીન નિસર્યો ગિરિ સિંધુમાંથી;

કે રામદૂત નળ નીલ અડેલ એને,

આવી સુશક્તિ નિધિમાં તરવાની તેને.

જો સિંધુ મધ્ય વળિ બેટ અનેક જે છે,

તે તો વિશેષ ઘણી સુંદરતા ધરે છે;

દેખાય દૂરથકિ તેહતણા બનાવ,

જાણે તરે ઉદધિ મધ્ય અનેક નાવ.

જો સમુદ્ર જળમાં રવિ અસ્ત થાતો,

જાણે કશાય દુઃખથી પડિને ડુબાતો;

કાં તો ગયો વિળ બીજે કરવા પ્રકાશ,

પાતાળ લોક ભણી પંનગરાય પાસ.

*

(શાર્દૂલવિક્રીડીત વૃત્ત)

રે રત્નાગર ગર્જના કરિ રહ્યો, ગર્વિત તું તો થયો,

તે તારો ધિક સર્વ ગર્વ ગણિયે, જો ગર્વ વ્યર્થે ગયો;

તારાથી ટળી તૃષા જનતણી, છે શર્મ તેની કશી,

જાચે કૂપ કને જઈ જળ પિવા, તારે કિનારે વશી.

રસપ્રદ તથ્યો

1. ગરીષ્ટ = મોટી 2. દહન = અગ્નિ 3. સુપુત્ર = ચંદ્રને સમુદ્રનો પુત્ર કહે છે 4. વ્યર્થે= ખાલી (પાં.આ.)

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002