ek marasiyo - Marasiya | RekhtaGujarati

એક મરસિયો

ek marasiyo

રાહુલ તુરી રાહુલ તુરી
એક મરસિયો
રાહુલ તુરી

અરે હાય મારો મનખાનો માનેલ મોર ઊડ્યો… હાયેએએએએ મોજીલા હાયે હાયે...

અરે હાય મારો જનમારો ઝેર કરી કેમ સૂતો… હાયેએએએએ મોજીલા હાયે હાયે...

અરે હાય મારો રાજવી રાજ ત્યજી ક્યાંક ગયો... હાયેએએએએ હુંશીલા હાયે હાયે...

અરે હાય મારો માથાનો મોભ તૂટી ઠેર થયો... હાયેએએએએ હઠીલા હાયે હાયે...

અરે હાય મારી વસતારી વેલ તણું મૂળ ગયુ... હાયેએએએએ મરજીવા હાયે હાયે...

અરે હાય મારી કૂખજણ્યું હેત બધું ધૂળ થયું... હાયેએએએએ કેસરિયા હાયે હાયે...

અર હાય કુટોન્.

અર હાય હાય...

અર હાય તમારી.

અર હાય જવોની.

અર હાય ખૂટી ગૈ,

અર હાય તમારી

અર પરણેતરના

અર પાનેતરની

અર કોર તૂટી ગૈ

અર હાય હાય....

અર હાય તમારાં

અર છૈયાં છોરૂં

અર રહરહ રૂંવે,

અર હાય નાંનેરાં

અર બાળ તમારાં

અર હાય તમારી

અર વાટ્યું જુએ.

અર હાય હાય....

અર હાય તમારાં

અર માવિતરના

અર પેટ પીંખાણા,

અર હાય તમારા

અર હાય કટંબના

અર કહળા એવા

અર હાથ કપાણા.

અર હાય હાય

અર હાય તમોન્....

રસપ્રદ તથ્યો

[કવિની નોંધ :- આ મરસિયો મારા સમાજના પરંપરિત લયમાં રચાયો છે. એનો બદલાતો લય અલગ ભાવદશામાં લઈ જાય છે...]

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ : ફેબ્રુઆરી ૨૦૧૯ (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન