umalkanun marashiyun - Marasiya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઉમળકાનું મરશિયું

umalkanun marashiyun

પારુલ ખખ્ખર પારુલ ખખ્ખર
ઉમળકાનું મરશિયું
પારુલ ખખ્ખર

કાળની તલવાર્યું વીંઝાય... મર્યો રે હાય.. ઉમળકો!

પારુલદે મરસિયાં ગાય... મર્યો રે હાય... ઉમળકો!

રાત’દી વીનવું અલ્લા પીર... ખમ્મા

ઉમળકો રે’જો રણમાં થીર... ખમ્મા

ઉમળકે ઝીલ્યાં તાતાતીર... ખમ્મા

ઉમળકો તોય મર્યો ભડવીર... ખમ્મા

ઓરતા રહ રહ રોતા જાય... મર્યો રે હાય.... ઉમળકો!

પારુલદે મરસિયાં ગાય... મર્યો રે હાય... ઉમળકો!

હતો ભડભાદરને ધીર... જીવલા

હતો જગ આખ્ખાનો મીર.... જીવલા

હતો નરબંકો શૂરવીર... જીવલા

ઘવાયો તેમ છતાં ગંભીર... જીવલા

કાગડા ઠોલીઠોલી ખાય... મર્યો રે હાય... ઉમળકો!

પારુલદે મરસિયાં ગાય... મર્યો રે હાય... ઉમળકો!

લઈ જા આંખલડીનું હીર... ગીધડા

લઈ જા મેલુંઘેલું લીર... ગીધડા

લઈ જા શીરો, પૂરી, ખીર... ગીધડા

લઈ જા ઠામૂકું મંદિર... ગીધડા

ચોકમાં ગીતાજી વંચાય... મર્યો રે હાય... ઉમળકો!

પારુલદે મરસિયાં ગાય... મર્યો રે હાય... ઉમળકો!

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.