wisaldew - Lokgeeto | RekhtaGujarati

વિસલદેવ

wisaldew

વિસલદેવ

જૂના તે ગઢનો રાજા જી રે.

નવાં નગર તે વસાવે જી રે.

એની માસીએ મેણલાં માર્યાં જી રે.

તું રે રાજાજી વાંઝિયો જી રે.

રાજાએ ઝાલી છે વનડોની વાટો હો જી રે.

વનમાં ગોંસાઈ મલ્યા હો જી રે.

લટમાંથી ભભૂત આલી જી રે.

સોના કટોરીએ ઝીલી હો જી રે.

સોના કટોરીએ ઝીલી હો જી રે.

રૂપા કટોરીએ ઘોળી હો જી રે.

સોના કટોરીએ પાધી હો જી રે.

રાણીને ઓધાણ રહ્યાં હો જી રે.

એની શોકે કામણ કીધું હો જી રે.

માળવેથી મઈણાં મંગાવ્યાં હો જી રે.

ઊંબરા હેઠે દળાવ્યાં હો જી રે.

નવે મહિના પૂરા થાય હો જી રે,

રાણીને છૂટકો થાય હો જી રે.

જો ’લ્યા! જોષીડા જોષ હો જી રે,

રાણીને છૂટકા થાય હો જી રે.

માળવેથી મઈણાં મંગાવ્યાં હો જી રે,

ઊંબરા હેઠે દળાવ્યાં હો જી રે.

રાણીને છૂટકા થયા હો જી રે.

જો ‘લ્યા જોષીડા જોષ હો જી રે.

કુંવરનું નામ શું ધરાવીયે હો જી રે?

એનું નામ ધરાવો વિસલદેવ રાય હો જી રે.

એની માસીએ કામણ કીધાં હો જી રે,

કોરા ઘડામાં ઊતાર્યો હો જી રે.

નદીમાં વહેતો મેલ્યો હો જી રે.

નદીમાં વહેતો મેલ્યો હો જી રે,

વનમાં ગોંસાઈને મલ્યો હો જી રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 188)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957