winjhno choryo - Lokgeeto | RekhtaGujarati

વીંઝણો ચોર્યો

winjhno choryo

વીંઝણો ચોર્યો

ચારે જમાઈંએ મળી વીંઝણો ચોર્યો, વઉનો વીંઝણો ચોર્યો,

લીલી ઘોડી, પાતળિયો અસવાર, વીંઝણાની વા’રે વીરોજી ચડિયા;

ચારે જમાઈએ મળી વીંઝણો ચોર્યો.

ઓરડે ઉભાં મોટી બેન બોલ્યાં, વીરાજી ઠોંટ મારશો;

લ્યો મારી લોટી ને એની મત ખોટી; હવે નઈ ચોરે વઉનો વીંઝણો.

ચારે જમાઈએ મળી વીંઝણો ચોર્યો.

ઓશરીમાં ઉભાં બીજી બેન બોલ્યાં, વીરાજી ઠોંટ મારશો;

લ્યો મારો મોર, કે’શોમા એને ચોર, હવે નઈં ચોરે વઉનો વીંઝણો.

ચારે જમાઈએ મળી વીંઝણો ચોર્યો.

માંડવામાં ઊભાં અગણી બેન બોલ્યાં, વીરાજી ઠોંટ મારશો;

લ્યો મારો ઘોડો, મારશો મા જોડો, હવે નઈં ચોરે વઉનો વીંઝણો.

ચારે જમાઈંએ મળી વીંઝણો ચોર્યો.

ડેલીએ ઉભાં ચોથી બેન બોલ્યા, વીરાજી, ઠોંટ મારશો;

લ્યો મારી કંઠી, એની જાત વંઠી, હવે નઈ ચોરે વઉનો વીંઝણો.

ચારે જમાઈએ મળી વીંઝણો ચોર્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968