wayanun kajoDun - Lokgeeto | RekhtaGujarati

વયનું કજોડું

wayanun kajoDun

વયનું કજોડું

બાર વરસની કન્યા ને અઢી વરસનો વર રે—

પાણી ભરવા જાઉં ત્યારે વાંસે વાંસે આવે રે :

વાંસે વાંસે આવે ત્યારે કૂવામાં હડસેલું રે :

કૂવામાં હડસેલું ત્યારે ડુબક ડોઈયાં કરે રે :

ડુબક ડોઈયાં કરે ત્યારે હૈયડલામાં દાઝું રે :

હૈયડલામાં દાઝું ત્યારે માણ લંબાવું રે :

માણ લંબાવું ત્યારે કાને લગી આવે રે—બાર વરસની કન્યા.

વાસીદાં વાળવા જાઉં ત્યારે વાંસે વાંસે આવે રે :

વાંસે વાંસે આવે ત્યારે, ઊકરડામાં દાબું રે :

ઊકરડામાં દાબું ત્યારે કુદલક કુદલક કરે રે :

કુદલક કુદલક કરે ત્યાંરે હૈયડલામાં દાઝું રે :

હૈયડલામાં દાઝું ત્યારે ટોપલો લંબાવું રે :

ટોપલો લંબાવું ત્યારે કાને વળગી આવે રે—બાર વરસની કન્યા.

રોટલા કરવા બેસું ત્યારે ચૂલા કને આવે રે :

ચૂલા કને આવે ત્યારે ઊંબાડું દેખાડું રે :

ઊંબાડું દેખાડું ત્યારે દબડક દબડક નાસે રે :

દબડક દબડક નાસે ત્યારે ટોડલે જઈને ઊભે રે :

ટોડલે જઈને ઊભે ત્યારે, ચીસ પાડી રડે રે :

ચીસ પાડી રડે ત્યારે હૈયડલામાં દાઝું રે :

હૈયડલામાં દાઝું ત્યારે કટકો રોટલો આપું રે :

કટકો રોટલો આપું ત્યારે છેલ્લો રોટલો માગે રે :

છેલ્લો રોટલો આપું ત્યારે શીકા સામું જુએ રે :

શીકા સામું જુએ ત્યારે શીકાવાળું આપું રે—

બાર વરસની કન્યા ને અઢી વરસનો વર રે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 81)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963