walsaDman thayelan anawil mithibai satimano garbo - Lokgeeto | RekhtaGujarati

વલસાડમાં થયેલાં અનાવીલ મીઠીબાઈ સતીમાનો ગરબો

walsaDman thayelan anawil mithibai satimano garbo

વલસાડમાં થયેલાં અનાવીલ મીઠીબાઈ સતીમાનો ગરબો

પ્રથમે શિવસુત નંદકુમારને, ચર્ણે નામું શીશ રે;

સતી તણો મહિમા વિસ્તારૂં, સહાય થજો જગદીશ—અંબે તં સાચી.

અંબે તું સાચી, માએ મોટાં રાખ્યા રે ધીર; કાયા છે કાચી;

આગળ કવિજન થઈ ગયા મોટા; મારી બુધ છે થોડી રે.

તેહ તણી કીરપા થઈ મુજને; લીલા મેં જોડી—અંબે.

ભાદરવા વદ ષષ્ઠી શનિએ રાત રહી મધરાત રે;

સ્વામી તણી આતુર વેળાએ; મન કર્યો વિચાર;—અંબે તું સાચી.

સંવત અઢારસો બાસઠને, ભાદરવા વદ સાર રે;

રોહિણી નક્ષત્ર ને ભાનુ-સપ્તમીએ, સત ચઢ્યું નિરધાર—અંબે.

દેસાઈ કુંવરજી જઈને વિનવે, તમને ઘટે એહ રે;

જુગનો મહિમા છે ખોટો, હાંસ થશે તતખેવ—અંબે.

વચન સાંભળી માતા વદે છે: ‘મારે જવું નિરધાર રે;

રૂદરજી વશનજી તમને સોંપ્યા; સહાય થશે મહારાજ’—અંબે.

માતાનું વચન સાંભળી, જોશી ભટ્ટ તેડાવ્યા રે;

‘મારે જવું સ્વામીની સંગે; સામાન સર્વે મંગાવો રે’—અંબે.

નારણભટ્ટ તો એમ કરી બોલ્યા, ‘કાગળ ખડી મગાવો રે;’

દેસાઈ કુંવરજીએ આજ્ઞા કીધી, ઘેરથી પત્ર મંગાવ્યો રે—અંબે.

નારણભટ્ટ તો ઘેર આવીને, પુસ્તક સર્વે ખોળે રે;

વિધિતણા તો પત્ર લઈને; સામાન સર્વે મંગાવે રે—અંબે.

ચોળી, ચૂંદડી, શ્રીફળ મંગાવો, ફોકળ મંગાવો સાર રે;

અબીલ, ગુલાલ, અનુપ મંગાવો, કપૂર મંગાવો નિરાધાર—અંબે.

કુંકુંમ નાડાછડી મંગાવો; છાબડી મંગાવો બાર રે;

અષ્ટ સૌભાગ્યનું સૂપડું મંગાવો; રેજા મંગાવો બાર—અંબે.

મોડ મંગાવો, હાર મંગાવો, પોત મંગાવો સાર રે;

સિંધૂરીઆ કંકાવટી મંગાવો, કાંસકી મંગાવો બાર—અંબે.

કાંસકી મંગાવો, આરસી મંગાવો, ચાંલ્લા મંગાવો બાર રે;

તેહ પ્રમાણે સામાન મંગાવો, પત્ર લખ્યો નિરધાર—અંબે.

ચીખલી મધ્યે માણસ મોકલ્યો, ભાઈને કરાવી જાણ રે;

જો મળવાની ઈચ્છા હોય તો, આવી મળો નિરધાર—અંબે.

નિશા સર્વે વહી ગઈ, ને પ્રેમે થયું પ્રભાત રે;

સૂર્યનારાયણ પ્રગટ થયા ત્યારે સૌ જન કરે વિચાર—અંબે.

ઘરમાંથી માતાજી નિસર્યાં, આવ્યા કૂપની પાસ રે;

સ્ત્રીઓ સર્વે ટોળે મળીને, માતાને નામે શીષ—અંબે.

બત્રીસ વૃક્ષનાં દાતણ મંગાવ્યાં, નીર મંગાવ્યાં સાર રે;

દંતધાવન જો કરી ઊઠીને, સૂર્યને લાગ્યાં પાય—અંબે.

સ્નાન કરી રામેશ્વર જઈને, પૂજા કીધી સાર રે;

મારે જવું સ્વામીની સંગે, આવી થાજો સહાય—અંબે.

ગોર ગામોટની પૂજા કરીને, ધેનુનાં દીધાં દાન રે;

સાત પ્રદક્ષિણા ભાવે કરીને, મુખે વદ્યાં ‘શ્રી રામ’—અંબે.

સાકરબાઈને સાડી પહેરાવી; ભટાણીને ઘરચોળું રે

ગોરાણીને સાડી સાંગતું, આપીને લાગ્યાં પાય;—અંબે.

માતાજી ઘરમાં પરવરીઆ, બેઠાં સૂર્યની સામા રે;

ગોરાણી ભટાણીને તેડી, તતક્ષણ ભોજન કીધાં રે.—અંબે.

નાગરવેલનાં બીડાં પ્રાથર્યા, કુમકુમ લીધું હાથ રે;

પૂર્વ દ્વારે છાપા દઈને, ચાલ્યા પશ્ચિમ દ્વાર રે.—અંબે.

કર મધ્યે નાળિયેર લઈને, આવ્યાં સ્વામીની પાસ રે;

સાત પ્રદક્ષિણા ભાવે કરીને, માતા નિસર્યાં બહાર.—અંબે.

કુમકુમ કેરા છાપા દઈને, કુમકુમ છાંટ્યાં સાર રે;

ચાર ખૂણાનો દિપક કરીને, ઘીની કીધી મસાલ રે.—અંબે.

ઢોલ નાદ ને ભેરી વાજે, વૈષ્ણવ બહુ જન ગાયે રે;

અબીલ ગુલાલ સૌ જન પર ઊડે, અંબાના ગુણ ગાય.—અંબે.

‘જે જે અંબે’ ‘જે જગગંબે’ ‘મોટી તું ભવાની રે;’

કળિજુગમાં ધીરજ રાખી, સાચી તું ભવાની રે.—અંબે.

માતાજી ઘરમાંથી નિસર્યાં, આવ્યાં અંબાની પાસ રે;

પ્રણામ કરી વાણી ઓચરીઆં, અંબા! થાજો સહાય.—અંબે.

સરકાર-વાડામાં આવી કરીને, ઊભાં રહ્યાં તતખેવ રે;

રણછોડદાસને જાણ કરાવ્યું, આવી મળ્યા નિરધાર.—અંબે.

સરકારવાડથી ચાલી કરીને, આવ્યાં ગણપતિ દ્વાર રે;

ઈષ્ટદેવ તું કહીએ સાચો, સિદ્ધ થયાં સૌ કાજ.—અંબે.

ઊભે ચૌટે માતા પધાર્યાં, પછવાડે સૌ જન રે;

પાન ફૂલ લઈ વાણીઆ વધાને, માતાને લાગે પાય.—અંબે.

કંસારવાડાથી આગળ ચાલ્યાં, પારસી વધાવે મોતી રે;

સતી તો ઘણી સાંભળી, પણ આવી ધીરજવાન નથી રે.—અંબે.

ચોરે દઈ બેસી કરીને, સ્વામી સન્મુખ રાખ્યા રે;

ભાઈને સાને તેડી કરીને, સુરભાઈ તેને સોંપ્યા રે.—અંબે.

ગામે ગામનાં લોક આવ્યાં, માતાને સૌ મળવા રે;

પગે લાગીને આશિષ માગે, ભવમાં પ્રાયશ્ચિત ખોવા રે.—અંબે.

આદ્ય ગામ તો ઊંટડી કહીએ; વલસાડમાં મુકામ રે;

એના કુળમાં મીઠીબાઈ કહીએ, જુગમાં કીધાં નામ.—અંબે.

ત્યાંથી માતા ઊઠી કરીને, આવ્યાં કૂપની પાસ રે;

સ્નાન કરી માતાજી પધાર્યાં, શિવજી કેરી પાસ.—અંબે.

ધન શિવજી બાલેશ્વર કહીએ, ધન છે તારું નામ રે;

ધન બાલાજીએ દેરૂં બંધાવ્યું, જુગમાં કીધાં નામ.—અંબે.

શિવજી કેરી પૂજા કરીને, માતા નિસર્યાં બહાર રે;

વૃષભ-તણાં તો દાન કરીને, આવ્યાં મઢુલી પાસ.—અંબે.

બ્રાહ્મણ-કરે પૂજા કરીને, છાબડી આપી બાર રે;

સાત પ્રદક્ષિણા ભાવે ફરીને, માતા લાગ્યાં પાય.—અંબે.

શલ્યાની તો પૂજા કરીને, દર્પણ લીધું હાથ રે;

મૂખ જોઈ માતાજી ઓચર્યાં, પ્રથમ થયો અવતાર.—અંબે.

ધન ધન વલસાડ ગામ કહીએ, ધન બ્રાહ્મણનો વાસ રે;

ધન નારાયણ દેવ કહીએ, તેથી ઊતર્યાં પાર.—અંબે.

ધન ધન ચીખલી ગામ કહીએ ધન ભુલાભાઈ મોન રે;

તેની કુંવરી મીઠીબાઈ કહે, જુગમાં કીધાં નામ.—અંબે.

સોમજી ભીમજીનો વંશ કહીએ, દેશાઈઓના નામ રે;

ધન રઘનાથજી લાલા કહીએ, મોટા ભાયગવાન.—અંબે.

કેશરેલ મોગરેલ શોભતાં, ને કુમકુમ તપે લેલાટ રે;

મોડ મસ્તક ઉપર વાળ્યો, વરત્યો જય જયકાર.—અંબે.

બ્રાહ્મણ-કરે આજ્ઞા લઈને, પેઠાં મઢુલી માંહે રે;

અષ્ટ સૌભાગ્યનું સૂપડું લઈને, મુખે વદ્યાં “શ્રી રામ.”—અંબે.

માતાજી મઢુલીમાં પધાર્યાં, મસ્તક લીધું હાથ રે;

હાથ કાકડા લઈ કરીને, ફેરવ્યા ચારે પાસ.—અંબે.

લોક પ્રદક્ષિણા ફરવા લાગ્યા, માતાને નામે શિષ રે;

એહ-તણાં જો મોટાં ભાયગ, સહાય થયા જગદીશ.—અંબે.

માણસ દસની ચોકી બેસાડી, આવ્યા સર્વે જન રે;

ઘેર આવી એકેકને કહે છે, માતાને ધન્ય! —અંબે.

નિશા બે ત્યાં વહી ગઈને, ત્રીજું થયું પ્રભાત રે;

ભટ્ટ જોશી કૃષ્ણારામ કહીએ, દીક્ષિત લીધા સાથ રે.—અંબે.

રૂદરજી, વશનજી, સુરભાઈ; આદિ, માતાના સૌ ભ્રાત રે;

સ્નાન કરી સમીપ પધાર્યા, રક્ષા લીધી હાથ.—અંબે.

રક્ષા લેતાં એંધાણી લાધી, ચાંલ્લો ને સોપારી રે;

હાથ કેરી મુદ્રિકા લાધી, કાવરીં મૂદ્રડી શાર.—અંબે.

દૂધ દહીંનાં છાંટણાં છાંટ્યાં, મોતીડે વધાવ્યાં રે;

ફૂલહાર લઈ કરીને વધાવે, મહિમાનો નહિ પાર.—અંબે.

પંચ કૃપાથી ગરબો કીધો, માતાજી છે સાહ્ય રે;

ગાય શીખે ને સાંભળે, તેના ભવના પ્રાયશ્ચિત જાય.—અંબે.

રસપ્રદ તથ્યો

સંવત 1862 ના ભાદરવા વદ સાતમે વલસાડના અનાવિલ કોમના દેસાઈ રૂઘનાથજી લાલાબાઈના ધર્મપત્ની મીઠીબાઈ, જે એમના પતિ પાછળ સતી થયેલાં, તેમનું આજે પણ તરીઆવાડ (વલસાડ) આગળ સ્થાનક છે. ત્યાં દર વર્ષે આસો સુદ આઠમે મોટો મેળો ભરાય છે. એમના વંશ જ હજુ પણ હનુમાન મહોલ્લાઓમાં રહે છે. તેના ઘર આગળ આશ્વિન સુદ 11 ને દિવસે આ જ ગરબો ગવાય છે ત્યારે સેંકડો માણસો સાંભળવા આવે છે. આ ગરબો કલોલના નાગર દેસાઈ શ્રી નવનીધરાય દેસાઈ, (ટીનુભાઈ) વલસાડ પાવર હાઉસના વીજળી એન્જીનિયરે મેળવી આપ્યો હતો, તેથી તેમનો આભાર થયો છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, ડૉ. ચંદ્રકાંત બાપાલાલ પટેલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966