wakhDan - Lokgeeto | RekhtaGujarati

વખડાં

wakhDan

વખડાં

સરખી ને સહિયરો પાણીલાં સંચરી રે.

પહેલું ને બેડું રે રમઝમ લાવિયાં રે.

બીજે ને બેડે રે વારો લાગિયો રે.

આવડીને વારો રે બે’નને કેમ લાગી રે.

સરખીને સહિયરો ટોળે વળિઓ રે.

હાથપગને ધોતાં રે વારો લાગિયો રે.

મારું ના માનો તો સહિયરોને પૂછજો રે.

તમારી સહિયરો જલમની જૂઠીઓ રે.

કાકાના વાડામાં વખનાં ઝાડવાં રે.

સોનાનાં કોદાળે વખડાં ખોદિયાં રે.

સોનાની શેલડીએ વખડાં વાટિયાં રે.

રેશમીએ રૂમાલે વખડાં ઝારિયાં રે.

પહેલો ને ‘પિયાલો’ બે’નને પીવો ઘટે રે.

બીજે ને પિયાલે વારો લાગિયો રે.

તીજે ને પિયાલે જીવડો ટલવલે રે.

ચોથે ને પિયાલે બે’નને લે’રો આવે રે.

પાંચમે ને પિયાલે જીવડો જતો રહ્યો રે.

અંદનનાં ચંદનનાં લાકડાં વઢાવિયાં રે.

રેવાની તીરે રે બે’નની ચેચો સીંકી રે.

કેસરિયા લાલ!

નંદાના લાલ!

ધૂમાડા નીકળે રે અબિલ ગુલાલના રે!

કેસરિયા લાલ!

નંદાના લાલ!

વરાળો નીકળે રે કુંક કેસરની રે!

કેસરિયા લાલ!

નંદાના લાલ!

હાથને ઝાલે તો પાર ઉતારજો રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 184)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957