wairagna mahina - Lokgeeto | RekhtaGujarati

વૈરાગના મહિના

wairagna mahina

વૈરાગના મહિના

કારતક આવ્યો સખી, સજિયો સોળ શણગાર,

ઓઢવાને નવરંગ ચૂંદડી, કંઠે એકાવન હાર,

હવે તો ઘરમાં નથી ગોઠતું, જાણે લઉં વૈરાગ!

માગશરે મૂકી ગયા મનમાં આણી મે’ર,

રીસ કરી મથુરા ગયા, કુબજા—શું કીધી લે’ર,

કહો હરિ કેમ રહું એકલી, મારો શો અપરાધ?

—હવે તો.

પોષ મહિનાની પૂનેમે સમણાં લાગ્યાં સાર,

સોળે શણગાર પ્રભુ મેં ધર્યા આવ્યા દીનદયાળ,

કહો હરિ કેમ રહું એકલી, મારો શો અપરાધ?

—હવે તો.

ફાગણ ફૂલ્યો ફૂલડે, વનમાં કેસૂડાં લાલ,

કસ્તૂરાનાં છાંટ્યાં છાંટણા, ઊડે અબીલ ગુલાલ,

કહો હરિ કેમ રહું એકલી, મારો સો અપરાધ?

—હવે તો.

ચઇતરે ચંપો મોરિયો, મોરી દાડમ દરાખ,

કોયલડી ટહુકા કરે, ભમર કરે ગુંજાર,

કહો હરિ કેમ રહું એકલી, મારો શો અપરાધ?

—હવે તો.

વૈશાખે વાયા વાયરા, તપે રાધાજીનું તન,

રાધા અબોલડા લઈ રહ્યાં, નથી બોલ્યાનું મન,

કહો હરિ કેમ રહું એકલી, મારો શો અપરાધ?

—હવે તો.

જેઠ મહિને જદુરાયજી, છૂટી રાધાજીનાં વેણ,

રાધા અબોલડા લઈ રહ્યાં નથી બોલ્યાનું મન,

કહો હરિ કેમ રહું એકલી, મારો શો અપરાધ?

—હવે તો.

અષાઢ આવી ઊલટ્યો મેહુલો માંડ્યો છે જોશ,

ગોરી ભીંજાય ઘરઆંગણે પિયુ ભીંજાય પરદેશ,

કહો હરિ કેમ રહું એકલી, મારો શો અપરાધ?

—હવે તો.

શ્રાવણ વરસ્યો સરવડે, નદીએ નિર્મળ નીર,

સુપનાંતરમાં દેખિયા હરિ, હળધરના વીર,

કહો હરિ કેમ રહું એકલી, મારો શો અપરાધ?

—હવે તો.

ભાદરવો ભલે ગાજિયો ભલો વરસ્યો છે મેઘ,

વીજલડી ચમકાર કરે ચહુદિશ ચાલ્યાં નીર,

કહો હરિ કેમ રહું એકલી, મારો અપરાધ?

—હવે તો.

આસો માસે નવરાતડી, નવ દહાડા નવ રાત,

સહુ ગોપીએ ટોળે મળી, માંડવલી મંગળ ગાય,

કહો હરિ કેમ રહું એકલી, મારો શો અપરાધ?

—હવે તો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 331)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957