wahu wanjharane jajo! - Lokgeeto | RekhtaGujarati

વહુ વણઝારાને જાજો!

wahu wanjharane jajo!

વહુ વણઝારાને જાજો!

મારી સોના ઇંઢોણી રૂપા બેડલું, નંદનો કુંવર નાનડિયો.

હું તો સરોવરપાણી ગઈ’તી, નંદનો કુંવર નાનડિયો.

પાળે ઊભો વણઝારાનો બેટો, નંદનો કુંવર નાનડિયો.

પીટ્યે એણે કાંકર નાખી, નંદનો કુંવર નાનડિયો.

મારાં સોનાનાં બેડાં નંદવાણાં, નંદનો કુંવર નાનડિયો.

રોતાં રહરહતાં ઘેર આવ્યાં, નંદનો કુંવર નાનડિયો.

સાસુજી બેડલિયાં ઉતરાવો, નંદનો કુંવર નાનડિયો.

વઉનાં ખાલી બેડાં ઠમક્યાં, નંદનો કુંવર નાનડિયો.

પીટ્યે એણે કાંકર નાખી, નંદનો કુંવર નાનડિયો.

વહુ વણઝારાને જાજો, નંદનો કુંવર નાનડિયો.

બૈજી, જાશું તો શું થાશે! નંદનો કુંવર નાનડિયો.

એની ધોળી પછેડી ઓઢશું, નંદનો કુંવર નાનડિયો.

એને પોઠિયે બેસીને જાશું, નંદનો કુંવર નાનડિયો.

હો હો કરતાં જાશું, નંદનો કુંવર નાનડિયો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા મણકો -૫ (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : ડૉ. મંજુલાલ ર. મજમુદાર, શ્રી બચુભાઈ રાવત, શ્રી મનુભાઈ જોધાણી, શ્રી દુલાભાઈ કાગ, શ્રી મેરુભા ગઢવી, શ્રી પુષ્કર ચંદરવાકર, શ્રી ચંદ્રકાન્ત વાઘેલા, શ્રી કનૈયાલાલ જોષી, શ્રી પ્રહ્લાદ પરીખ, સંપા. જોરાવરસિંહ ડી. જાદવ
  • પ્રકાશક : ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966