wahanan wahi gayan - Lokgeeto | RekhtaGujarati

વહાણાં વહી ગયાં

wahanan wahi gayan

વહાણાં વહી ગયાં

રંગના રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો.

અમે ગ્યા’તા સુથારીને ઘેર જો,

કાંઈ માંડવડી ઘડાવતાં વહાણાં વહી ગયાં.

રંગના રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો.

અમે ગ્યા’તા રંગાટીને ઘેર જો,

કાંઈ માંડવડી રંગાવતાં વહાણાં વહી ગયાં.

રંગના રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો.

અમે ગ્યા’તા પીંજારીને ઘેર જો,

કાંઈ દિવેટો બનાવતાં વહાણાં વહી ગયાં.

રંગના રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો.

અમે ગ્યા’તા ઘાંચીડાને ઘેર જો,

કાંઈ તેલેરાં પુરાવતાં વહાણાં વહી ગયાં.

રંગના રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો.

અમે ગ્યા’તા મોતીરાને ઘેર જો,

કાંઈ માંડવડી શણગારતાં વહાણાં વહી ગયાં.

રંગના રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો.

અમે ગ્યા’તા ઘઇડેલાંને ઘેર જો,

કંઈ વખાણતાં વહાણાં વહી ગયાં.

રંગના રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો.

કાંઈ અમે ગ્યા’તા દીકરીઓને ઘેર જો,

કાંઈ માંડવડી ગવરાવતાં વહાણાં વહી ગયાં.

રંગના રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો.

રસપ્રદ તથ્યો

(રાજપુરમાં હીરાલાલની ચાલીની વણકર સમુદાયની બહેનોએ સંભળાવેલું.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959