wagya wagya re kani trabalun Dhol re! - Lokgeeto | RekhtaGujarati

વાગ્યા વાગ્યા રે કંઈ ત્રાબાળું ઢોલ રે!

wagya wagya re kani trabalun Dhol re!

વાગ્યા વાગ્યા રે કંઈ ત્રાબાળું ઢોલ રે!

વાગ્યા વાગ્યા રે કંઈ ત્રાબાળું ઢોલ રે!

રાજા ઘરે કુંવરી અવતરીયાં રે!

તેડાવો તેડાવો જાણપરના જોષી રે!

કુંવરીના જોષ જોવરાવો!

આવ્યા આવ્યા જાણપરના જોષી રે!

કુંવરીના જોષ જોવાય છે!

પહેલો પાયો રે ઈમના દાદાજીને ભારે રે!

બીજો પાયો રે ઈમના માતાજીને ભારે રે!

ત્રીજો પાયો રે જૂનાગઢને ભારે રે!

ચોથો પાયો રે ગીરનાર ઘેરશે.

મેલો મેલો રે દીકરીને વાર,

દીકરીને બારે માટી ખાણે મેલી આવજો.

આવ્યો આવ્યો કંઈ ઓઝો ઓઝો રે!

બાળક રોતું ઓઝે સાંભળ્યું રે!

લઈ લાવ્યો રે કંઈ ઓઝો એને ઘરે રે!

દીકરી કરી ઓઝે રાખીયાં રે!

દીકરી રૂપે કંઈ અથોગત રૂપાળાં રે!

રાજકન્યા રે મોટાં થયાં!

પાણી ભરે રે કંઈ સરોવરીયા પાળ રે!

સરોવર પાળે ઘોડા પાવા રાજા આવીયા રે!

કોની દીકરી તું તો કોની વહુવારું?

હું છું હું છું ઓઝા કેરી દીકરી હજી બાળ કુંવારી.

માગુ નાખ્યું રે રાય ખેંગારે રે!

ઓઝાને તેડા મોકલ્યા રે!

લગન કરજે તારી દીકરીના રે!

રાજાના માંગ આવીયા રે!

આલાવીલા ને વાંસ વઢાવો રે!

ચોરી ચીતરાવો ચાંપાનેરની રે!

પરણે પરણે કંઈ રાય ખેંગાર રે!

બીજી પરણે રાણક દેવડી રે!

પરણી પરણી કંઈ રાણક દેવડી રે!

રાજાના મોલે પધારીયાં રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, પદ્મજા ચંદરવાકર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964