aaj mare uttam ekadashi - Lokgeeto | RekhtaGujarati

આજ મારે ઉત્તમ એકાદશી

aaj mare uttam ekadashi

આજ મારે ઉત્તમ એકાદશી

આજ મારે ઉત્તમ એકાદશી સાહેલી રે,

આજ મારે છે ઉપવાસ, મોહનદાસ રે;

જાવું શ્રી જમનાજીમાં ઝીલવા.

જળ રે જમનાજીમાં ઝીલતાં સાહેલી રે,

છુટડા મેલ્યા કેશ, મોહનલાલ રે;

જાવું શ્રી જમનાજીમાં ઝીલવા.

જળમાં ઉભીને મારી ડુબકી સાહેલી રે,

તૂટ્યો મારો નવસર્યો હાર, મોહનલાલ રે;

જાવું શ્રી જમનાજીમાં ઝીલવા.

સઘળાં મોતી વેરાઈ ગયાં સાહેલી રે,

હીરલો લાધ્યો હાથ, મોહનલાલ રે;

જાવું શ્રી જમનાજીમાં ઝીલવા.

કેમ વીણું ને કેમ સાચવું સાહેલી રે,

કેમ કરી ઉત્તર દઇશ, મોહનલાલ રે;

જાવું શ્રી જમનાજીમાં ઝીલવા.

હાથ્યે વીણું ને નખે સાચવું સાહેલી રે,

મુખડે ઉત્તર દઈશ, મોહનલાલ રે;

જાવું શ્રી જમનાજીમાં ઝલવા.

ગોકુલની ગલીયું સોયામણી સાહેલી રે,

વૈશનવની ભીડા ભીડ, મોહનલાલ રે;

જાવું શ્રી જમનાજીમાં ઝીલવા.

પરસાદી કીધી વાલે મોકળી સાહેલી રે,

ઠોરના બાંધ્યા ઠાઠ, મોહનલાલ રે;

જાવું શ્રી જમનાજીમાં ઝીલવા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 174)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966