wirahgit - Lokgeeto | RekhtaGujarati

વિરહગીત

wirahgit

વિરહગીત

ઠાકોરિયા ચાલ્યા ઈંદોરિયા ગામ,

કે રાવળોની ચાકરી રે લોલ.

ઠાકોરિયા વાયદો કરતા જાવ,

કે ઘેર ક્યારે આવશો રે લોલ.

ગોરી રે મોરી ચોકમાં રોપાવું પારસ પીપળો,

કે પાનાં ખરે ને દા’ડા ગણજો રે લોલ.

ઠાકોરિયા આવશે શિયાળાના દા’ડા,

કે ટાઢ્યો લાગશે રે લોલ.

ગોરી રે મોરી લેશું સાથ સાત ડગલા,

કે તે ઓઢી ચાલશું રે લોલ.

ઠાકોરિયા આવશે ઉનાળાના દા’ડા,

કે તડકા લાગશે રે લોલ.

ગોરી રે મોરી લેશું ધૂપિયા છતરી,

કે તે ઓઢી ચાલશું રે લોલ.

ઠાકોરિયા આવશે ચોમાસાના દા’ડા,

કે વરસાદ લાગસે રે લોલ.

ગોરી રે મોરી લેશું રૂપિયે છતરી,

કે તે ઓઢી ચાલશું રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 163)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957