- Lokgeeto | RekhtaGujarati

પડવે શું પડિયા મહારાજ!

ગોકુળી આવજો રે મહારાજ!

બીજે કહું છું બીજી વાત.

ગોકુળી આવજો રે મહારાજ!

ત્રીજે ત્રણ ભુવનના નાથ,

ગોકુળી આવજો રે મહારાજ!

ચોથે ચતુરા સરખી નાર,

ગોકુળી આવજો રે મહારાજ!

પાંચમે ડગલાં ભરિયાં પાંચ,

ગોકુળી આવજો રે મહારાજ!

છઠ્ઠે છોગાળા ભગવાન,

ગોકુળી આવજો રે મહારાજ!

સાતમે સરુડે બાંધી પાળ,

ગોકુળી આવજો રે મહારાજ!

આઠમે અવતરિયા ભગવાન,

ગોકુળી આવજો રે મહારાજ!

નૂમે નમેરા ભગવાન,

ગોકુળી આવજો રે મહારાજ!

દશમે દુંદાળા ભગવાન,

ગોકુળી આવજો રે મહારાજ!

અગ્યારશે એકાદશીનું વરત,

ગોકુળી આવજો રે મહારાજ!

બારશે બહુ કરવાં છે ધરમ,

ગોકુળી આવજો રે મહારાજ!

તેરશે તેડાં મોકલ્યાં તેર,

ગોકુળી આવજો રે મહારાજ!

ચૌદશે વહેલા પધારજો ઘેર,

ગોકુળી આવજો રે મહારાજ!

પૂનમે પૂરો ઊગ્યો ચાંદ,

નવખંડ ધરતીમાં અજવાળાં,

ગોકુળી આવજો રે મહારાજ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 251)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, માધવ મો. ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957