aayo aayo rawaliyo - Lokgeeto | RekhtaGujarati

આયો આયો રાવળિયો

aayo aayo rawaliyo

આયો આયો રાવળિયો

આયો આયો રાવળિયો રજબૂત,

દીકરીનાં આંણાં આવિયાં, મારા રાજ!

દાદા, તમારે આલવું હોય તે આલો,

પરદેશી સાથે મારે ચાલવું; મારા રાજ!

દાદે આલ્યાં હાથીડાંનાં દાન,

ઉપર આલી અંબાડી; મારા રાજ!

આયો આયો રાવળિયો રજબૂત,

દીકરીનાં આંણાં આવિયાં; મારા રાજ!

વીરા, તમારે આલવું હોય તે આલો,

પરદેશી સાથે મારે ચાલવું; મારા રાજ!

વીરે આલ્યાં ઘોડલીનાં દાન,

ઉપર આલી વેલડિયો; મારા રાજ!

આયો આયો રાવળિયો રજબૂત,

દીકરીનાં આંણાં આવિયાં, મારા રાજ!

માતા, તમારે આલવું હોય તે આલો,

પરદેશી સાથે મારે ચાલવું; મારા રાજ!

માતાએ આલ્યાં જોટડિયોનાં દાન,

દોયા ના આલ્યા ઘુણિયા; મારા રાજ!

આયો આયો રાવળિયો રજબૂત,

દીકરીનાં આંણાં આવિયાં; મારા રાજ!

ભોજાઈ, તમારે આલવું હોય તે આલો,

પરદેશી સાથે મારે ચાલવું; મારા રાજ!

ભોજાઈ આલ્યાં ગવાડાનાં દાન,

ઉપર આલ્યા ચૂડીલા, મારા રાજ!

આયો આયો રાવળિયો રજબૂત,

દીકરીના આંણાં આવિયાં, મારા રાજ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 263)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, માધવ મો. ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957