sita wanwas - Lokgeeto | RekhtaGujarati

સીતા વનવાસ

sita wanwas

સીતા વનવાસ

લખમણ લખમણ બંધવા રે સીતાને વનમાં મૂકી આવો.

કાળા ઘોડા, ને કાળા રથડા રે, સીતા વનમાં સીધાવો.

લખમણ, લખમણ બંધવા રે, વનમાં બીકું રે લાગે.

ચાંદો ને સુરજ તપ ધરે રે, ભાભી, જોજો ને રે’જો.

લખમણ, લખમણ બંધવા રે, વનમમાં તરસું રે લાગે.

ખાડા ખાબોચિયાં છલછલાં રે, ભાભી, પીજો ને રે’જો,

લખમણ, લખમણ બંધવા રે, વનમાં ભુખ્થું રે લાગે.

આંબુ લીંબુ, કેરી, કરમદાં રે, ભાભી, વેડી ને ખાજો.

લખમણ, લખમણ બંધવાં રે, વનમાં વસ્તર જોશે.

છાલું પેરજો, ને પાંદડા ઓઢજો રે, ભાભી, વનમાં રે’જો.

ધરતી તે મારી માવડી રે, મા, મને માગર દેજો.

ધરતી ફાટીને સીતા સમાઈ ગયાં રે, તેનો ડાભ ઊગ્યો,

ગાય, શીખે, સુણે, સાંભળે રે, તેનો વાસ વૈકુંઠમાં હોજો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968