ugamni dhartino wepari aayo - Lokgeeto | RekhtaGujarati

ઉગમણી ધરતીનો વેપારી આયો

ugamni dhartino wepari aayo

ઉગમણી ધરતીનો વેપારી આયો

ઉગમણી ધરતીનો વેપારી આયો, લાયો કાંચ રેશમિયા રોમાલ,

માડી મારે રોમાલ લેવો.

દીચરી મેલી દે રઢ રોમાલિયાની, તું છો મોટેરા ઘરની છોરૂ;

રોમાલ તને શીનો લઈ આલું?

ઓયડો વેકો માડી ઓશરી વેકો વેકો માડી આપણા ઘરનો વાડો;

માડી મારે રોમાલ લેવો.

દીચરી, ઘરમાં નથી શેર બંટી, ને બેની દળવા નથી ઘંટી;

રોમાલ હું શીનો લઈ આલું?

કોઠલો વેકો મા ડામચિયો વેકો, માડી વેકોને રંગિયલ માંચી;

માડી મારે રોમાલ લેવો.

દાડી-દપાડીની રોજ મજુરી, રોજનું રળી રળી ખાવું;

દીચરી, મેલી દે તું રઢ તારી.

ઉગમણી ધરતીનો વેપારી આયો, લાવ્યો કાંચ રેશમિયો રોમાલ;

માડી મારે રોમાલ લેવો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 116)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966