tyan to kope chaDyo raja - Lokgeeto | RekhtaGujarati

ત્યાં તો કોપે ચડ્યો રાજા

tyan to kope chaDyo raja

ત્યાં તો કોપે ચડ્યો રાજા

ત્યાં તો કોપે ચડ્યો રાજા, બોલ્યો ફટ! દુઃશાસન.

વડી વારનો પટ ગ્રહી રહ્યો છું, ફટ! ભૂંડા અંધ.”

હાં રે ત્યાં તો એમ કહેતાં, તેણે તુર્ત તાણ્યું ચીર;

બીજું ત્યાં બાકલે પૂરીઉં, ઝટ ત્યાં જદુવીર!

કૌરવ કહે કૌતુક થયું, બીજલું ધારે અંગ;

તે કાઢીને જુવે સહી, ત્યાં ત્રીજલું નવરંગ!

ચોથું ચતુર્ભુજે પૂરિયું, પાંચમું તે રઘુવીર;

છઠ્ઠું છબીલાએ છાઈયું, સાતમું બલભદ્ર વીર.

આઠમું અલબેલે માકલ્યું, નવમું નારાયણ! ગોકુલચંદ;

દસમું દયાળે પૂરિયું, અગિયારમું શ્રી ગોવિંદ.

ત્યાં તો વસ્ત્રતણા ટીંબા વળ્યા, જોઈ જોઈ કાઢી છે ભાત;

એક એકપેં આગળાં, લીલાં પીળાં અવનવી છાપ.

જેને સમરથ પાસું શેઠનું, એહ ગાંજ્યું કેમ જાય?

નવસેં નવ્વાણું પૂરિયાં ચીર, દ્વારિકાને રાય!

ત્યાં તો ધૃતરાષ્ટ્રે દ્રૌપદી તેડાવિયાં, “બાઈ! હું અંધ અજ્ઞાન;

પાય લાગી પ્રણમો મને, ને માગો ચાર વરદાન.”

ત્રણ વર લીધા રે કામિની, હું છું દાસી-કુમાર!

પાંડવ-સરસી નવ રહું, માગું વસ્ત્ર હથિયાર,

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, હરિકાન્ત ન્હાનાલાલ દીક્ષિત.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964