nanan sarawariyan - Lokgeeto | RekhtaGujarati

નાનાં સરવરિયાં

nanan sarawariyan

નાનાં સરવરિયાં

ઓલી શેનીના તેડે રે,

હું ચ્યમ કરી પાણીડાં જઈશ રે? નાનાં સરવરિયાં

એક આછી તે ઓઢીશ ઓઢણી રે,

હું ધમકે પાણીડાં જઈશ રે. નાનાં સરવરિયાં.

એક રાતા કોહંબાનું કાપડું રે,

હું પે’રીને પાણીડાં જઈશ રે, નાનાં સરવરિયાં.

એક ફૂલ ફગરનો મારો ઘાઘરો રે,

હું ધમકે પાણીડાં જઈશ રે, નાનાં સરવરિયાં.

મારા ગામના સુતારી વીરા વેનવું રે,

મારી માંડવડી ઘડી લાય રે, નાનાં સરવરિયાં.

ઘડી લાઈન મેલજે માણેકચોકમાં,

કાંઈ રમતાં રાત્યું જાય રે, નાનાં સરવરિયાં.

મારા ગામના રંગારી વીરા, વેનવું રે,

મારી માંડવડી રંગવા આય રે, નાનાં સરવરિયાં.

રંગી લાયન મેલજે માણેકચોકમાં,

કાંઈ રમતાં રાત્યું જાય રે, નાનાં સરવરિયાં.

મારા ગામના કુંભારી વીરા, વેનવું રે,

રૂડાં કોડિયાં લઈ આય રે, નાના સરવરિયાં.

કોડિયાં લાઈન મેલજે ગોખમાં,

કાંઈ રમતાં રાત્યું જાય રે, નાનાં સરવરિયાં.

મારા ગામના ઘાંચીડા વીરા, વેનવું રે,

રૂડા તેલડિયાં પૂરી આલ્ય રે, નાનાં સરવરિયાં.

દીવડા પૂરી અજવાળાં અજવાળજો,

કાંઈ રમતાં રાત્યું જાય રે, નાનાં સરવરિયાં.

રસપ્રદ તથ્યો

રાજી-નામની બાળાએ ગાઈ સંભળાવેલ છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 113)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968