tulsi tara monghera nam - Lokgeeto | RekhtaGujarati

તુળસી તારા મોંઘેરા નામ.

tulsi tara monghera nam

તુળસી તારા મોંઘેરા નામ.

ધન્ય ધન્ય આકરૂ ધન્ય ધન્ય ગામ.

ધન્ય ધન્ય રે તુલસી તારા મોંઘેરા નામ. સાંભળો ગુણવંતા.

રામજી ખેડે ને લક્ષ્મણ વેડે. સાંભળો ગુણવંતા.

સતી રે સીતાજીએ પાણીડાં સિચ્યાં. સાંભળો ગુણવંતા.

અષાઢે તુલસી રોપે રોપાણ. સાંભળો ગુણવંતા.

અગર કસ્તુરીના ખાતર પુરાયા. સાંભળો ગુણવંતા.

શ્રાવણે તુલસી બબ્બે પાંડડિયે. સાંભળો ગુણવંતા.

હરખ્યા નારયણ તુલસી નામે. સાંભળો ગુણવંતા.

ભાદરવે તુલસી વેલે વળુંભ્યા. સાંભળો ગુણવંતા.

દેવ દામોદરે ખોળામાં લીધાં. સાંભળો ગુણવંતા.

આસો તુલસી આછા વળુંભ્યા. સાંભળો ગુણવંતા.

કુંવારા તુલસીબાનો કરો રે વિવાહ. સાંભળો ગુણવંતા.

કારતકે તુલસીના વિવાહ નિરધાર્યો. સાંભળો ગુણવંતા.

લગ્ન નિર્ધાર્યા ને પરણ્યા મોરારી. સાંભળો ગુણવંતા.

માગશરે માવઠડા રે થાશે. સાંભળો ગુણવંતા.

શિયાળે તુલસીબાના આણલાં રે જાશે. સાંભળો ગુણવંતા.

પોષે તો તુલસી પડ્યા રે રોપમાં. સાંભળો ગુણવંતા.

તુલસી વિના ત્રિભૂવન રે ડોલ્યા. સાંભળો ગુણવંતા.

મહારાજે તો વન સઘળી રે વેડ્યાં. સાંભળો ગુણવંતા.

હુડલા કોડલાની રમત રે માંડી. સાંભળો ગુણવંતા.

ફાગણે ફાગ ખેલે રે ગોવિંદા. સાંભળો ગુણવંતા.

હોળી ખેલે ચંદ્રાવતી લીલા. સાંભળો ગુણવંતા.

અગર તુલસી હિંડોળા બંધાવે. સાંભળો ગુણવંતા.

હીંડોળે હીંચે શ્રી કૃષ્ણજી ભોળા. સાંભળો ગુણવંતા.

વૈશાખે વાવલિયા રે વાશે. સાંભળો ગુણવંતા.

ઘેર પધારો શ્રીકૃષ્ણ નાવલિયા. સાંભળો ગુણવંતા.

જેઠે તો તુલસી સૂકાવા રે લાગ્યાં. સાંભળો ગુણવંતા.

તુલસી વિના સૂનો સંસાર. સાંભળો ગુણવંતા.

જેણે કર્યો તુલસીને દીવો. સાંભળો ગુણવંતા.

એનો વીરોજી ઘણું રે જીવો. સાંભળો ગુણવંતા.

જેમે રેડ્યાં તુલસીને બેડાં. સાંભળો ગુણવંતા.

એને આવે શ્રી રામના તેડાં. સાંભળો ગુણવંતા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964