tithino garbo - Lokgeeto | RekhtaGujarati

તિથિનો ગરબો

tithino garbo

તિથિનો ગરબો

પડવાની પર પ્રીત ગતમત ભૂલી રે,

મારા હરિ વિના એક વાત સરવે સૂની રે.

બીજે બાળેવેશ રહી છું બાળી રે,

ઘરમાં કેમ રહેવાય વાગે તાળી રે.

ત્રીજે ત્રિભુવનરાય મંદિર પધારો રે,

હરિ આવો ને આપણે ઘેર હેત વધારો રે.

ચોથે ચંચળ નાર ચતુરા ચાલે રે,

પેલો ડાકોર કેરો વૈદ દુ:ખડાં ટાળે રે.

પાંચમે પડદા હેઠ હરિ શું રાખ્યાં રે,

મારે પ્રેમરસ પીવા કાજ હરિરસ ચાખ્યા રે.

છઠ્ઠીના લખિયા લેખ તે કેમ ટળશે રે,

મારા પેલા જનમની પ્રીત આવી મળશે રે.

સાતમના સંતાપ હરિ શું અમને રે,

શું કહીએ મા’રાજ લાજ તમને રે.

આઠમે ઓચ્છવ થાય હરિ હોય હેલી રે,

મારે સોળશેં ગોપીઓનો સાથ રમવા ઘેલી રે.

નવમે નમણા નાથ નમેરા થઈએ રે,

ગોકુળ મેલી મા’રાજ મથુરા જઈએ રે.

દશમે દિનરાત દલ મારું દાઝે રે,

ઘેર નાવલિયો રિસાય તે કેમ છાજે રે.

એકાદશીનું વ્રત આજ મારે કરવું રે,

શ્રી જમુનાજીમાં સ્નાન કરી મારે તરવું રે.

દ્વાદશી કેરે દન દર્શન દેજો રે,

મારા શામળિયા ભગવાન સનમુખે રે’જો રે,

તેરસના તો કંઠ અમારા તૂટ્યા રે,

હરિ હરિ કરતાં હોઠ અમારા સૂક્યા રે.

ચૌદશે ચતુર નર તમે શું ચાલ્યા રે,

ઘેર રાધા સરખી નાર શું રિસાયા રે.

પૂનમે પંદર તિથિ પૂરી થઈ કહાવું રે,

તમે આવો ને દીનદયાળ ફૂલે વધાવું રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 328)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957