pandar tithio - Lokgeeto | RekhtaGujarati

પંદર તિથિઓ

pandar tithio

પંદર તિથિઓ

પડવે પહેલે દિવસડે, સુંદરી કરે શણગાર;

નવલા શણગાર કેમ સજું, જે નયણે વહે છે ધાર.

બીજે આવી સાહેલીઓ, બાળો ઊગ્યો ચંદ;

દાડમ કેરે દંતડે, મારી સેજે નમિયો કંથજી.

ત્રીજ આની સાહેલીઓ, સ્ત્રીઓ તણો તે વાર;

કુંજર ગોરી પરહરે, કુમકુમ કાજળ સારજી.

ચોથે ચમક્યો મહેલ મેં, પિયુ માહરો પરદેશ;

ચંદ્ર લીલા હું ઘણું કરું, મારું જોબન બાળેવેશ.

પાંચમ આવી સાહેલડી, પાંચે ઊગ્યા ભાણ;

ગોરી ઘોડલી ઘણું સાંભરે, પછે હુઈ પલાણ.

છઠ આવી સાહેલડી, પગપાળો પંથ કરેશ;

તડ તડ ફાટે મારો કંચુઓ, મારું જોબન બાળેવેશ.

સાતમ આવી સાહેલડી, ભરતી હૈડે આહ;

રામ ગયા કેમ વીસરે, કાંટો લાગ્યો એડી માંહ.

નોમ આવી સાહેલડી, વળી પહેરણ નવલાં ચીર;

દીપક લઈ સેજે ગઈ, નયણે વરસે નીર.

દસમ આવી સાહેલડી, ભર ભર મોતી થાળ;

પૂજ્યા હોય તો પામીએ, રાયજાદા ભરથાર.

અગિયારસ આવી સખી, વરત કરિયાં સાર;

પ્રભાતે કેમ કરું પારણાં, વણ મુખ દીઠે ભરથાર.

બારસ આવી સાહેલડી, ફળિયાં બારસણાં;

ધન કમાણી હો રહી, મારા પિયુ છે વાંકડિયા.

તેરસે આવી સાહેલડી, દહેરા પૂજ્યાં દેવ તણાં;

નવલા શણગાર કેમ સજું, મારો પિયુજી ઘેર વણા.

ચૌદશ આવી સાહેલડી, ચોરે બેઠા રાય;

ધેન કમાણે હો રહી, નિશાને મળિયા ધાય.

પૂનમે પૂરો પક્ષ હુઓ, ચાંપાને કળીએ રંગજી;

પખવાડિયું પૂરું થયું, વાને ભરિયાં વખજી.

બારી કે ખંડે તમે પોઢશો, રામા ટાઢી તે વાશે ટાઢ્ય;

ઊભી ખોળા પાથરું, પરણ્યા, શિયાળો ઘેર ગાળ્ય.

ગુણિયલ ચાલ્યા ચાકરી, ઉપરવાડે જાતાં;

ચૂલામાં છાણું ખોસતાં, હમે ધુમાડા મસ રોતાં.

હું તો જાણું રામા હું ભલી, મુજથી ભલી કોય,

જેણે મારો પિયુ ભોળવ્યો, તે ખરી સોહાગણ હોય.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 326)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા. સુધા રમણલાલ દેસાઇ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957