tejmal warnagiyo - Lokgeeto | RekhtaGujarati

તેજમલ વરણાગિયો

tejmal warnagiyo

તેજમલ વરણાગિયો

ઊગમણી દેશોના કાગળ આયા રે!

ચોરે બેસીને દાદે કાગળ વાંચ્યા.

કાગળ વાંચીને દાદો ઢસ ઢસ રોયા;

ઉપરવાડે રહીને તેજુડીએ જોયું.

કો’ મારા દાદા! ચ્યમ તમે રોયા?

સાત સાત દીચરીએ દાદો વાંઝિયા કે’વાણા.

આવતાં લશ્કર દીચરી ઝૂઝવા કોણ જાશે?

આવતાં લશ્કર દાદા, અમે ઝૂઝવા જઈશું રે!

પગનાં કડલાં દીચરી ઢાંચ્યાં ચ્યમ રે’શે?

પગનાં કડલાં દાદા! સૂંથણામાં રે’શે.

હૈયાનું હુર દીચરી! ઢાંચ્યું ચ્યમ રે’શે?

હૈયાનું હુર દાદા! ડગલામાં રે’શે.

હાથના ચૂડીલા દીચરી! ઢાંચ્યા ચ્યમ રે’શે?

હાથના ચૂડીલા દાદા! સોડિયામાં રે’શે.

માંથાની મોળ દીચરી! ઢાંચી ચ્યમ રેશે.?

માંથાની મોળ દાદા! ફેંટામાં રે’શે.

નાક વેંધાયાં દીચરી! ઢાંચ્યાં ચ્યમ રે’શે?

અમારા દાદાજીને છોરુ જીવતાં,

નાક વેંધાયી નામ નાથુજી પાડ્યાં.

દાંત રંગાયા દીચરી! ઢાંચ્યા ચ્યમ રે’શે?

નાનાં હતાં ત્યારે મોસાળે રે’તાં,

ખાંતીલી મામીએ દાંત રંગાયા.

તેજુ—તેજમલ બની યુદ્ધમાં લડવા જશે છાનું કેમ રહેશે, એની ચિંતા દાદાજીને થાય છે. તેથી દાદાજી તેજુને પુછે છે કે, દીકરી કડલાં, હૈયાનું હુર-રૂપ, ચૂડીલો, માથાનો અંબોડો, વીંધેલું નાક અને રંગેલ દાંત-છાના કેમ રહેશે? તેજુ, બધાને કેવી રીતે સંતાડી રાખીશ સમજાવે છે. તેજુ-તેજમલ વરણાગિયો બનીને દુશ્મન સામે લડવા ગઈ. દુશ્મનને હરાવી આવી, પણ તેના સાથીઓને—સાથે લડનારાઓને કંઈક શંકા પડે છે. તેમને લાગે છે કે સાથે લડનાર તેજમલ પુરુષ નથી, પણ સ્ત્રી છે. સાથીઓ સ્ત્રીપુરુષનાં પારખાં લે છે પણ પારખાંમાં તેજમલ સ્ત્રી પુરવાર થતી નથી. છેવટે સાથીઓને જ્યારે પાકી ખાતરી થાય છે કે તેજમલ પુરુષ નહિ, પણ તેજુ—સ્ત્રી હતી, ત્યારે ‘નાર કહી બોલાવી નહીં’—પરખી નહીં તેનો અફસોસ થાય છે.

ચાલો એના સાથીડો, સોનીડાં હાટે જઈએ,

સ્ત્રી-પુરુષનાં પારખાં રે! લઈએ;

સ્ત્રી હશે તો કડલાં મુલવાવશે.

સર્વ સાથીડે કડલાં મુલવાયાં;

તેજમલ વરણાગિયે કંદોરા મુલવાયા.

ચાલો એના સાથીડો, દોશીડાં હાટે જઈએ,

સ્ત્રી-પુરુષનાં પારખાં રે! લઈએ;

સ્ત્રી હશે તો ચૂંદડી મુલવાવશે.

સર્વ સાથીડે ચૂંદડી મુલવાયી;

તેજમલ વરણાગિયે ફેંટા મુલવાયા.

ચાલો એના સાથીડો, માળીડાં હાટે જઈએ,

સ્ત્રી-પુરુષનાં પારખાં રે! લઈએ;

સ્ત્રી હશે તો મોળિયાં મુલવાવશે,

સર્વ સાથીડે મોળિયાં મુલવાયાં;

તેજમલ વરણાગિયે સોગઠાં મુલવાયાં.

ચાલો એના સાથીડો, મોચીડાં હાટે જઈએ,

સ્ત્રી-પુરુષનાં પારખાં રે! લઈએ;

સ્ત્રી હશે તો મોજડી મુલવાવશે.

સર્વ સાથીડે મોજડી મુલવાયી;

તેજમલ વરણાગિયે બૂટ-જોડા હોર્યા.

ચાલો એના સાથીડો સરોવર ઝીલવા જઈએ,

સ્ત્રી-પુરુષનાં પારખાં રે! લઈએ;

સ્ત્રી હશે તો આરે બેસી નાશે,

સર્વ સાથીડા આરે બેસી નાયા.

તેજમલ વરણાગિયો ચારે કાંઠે ઝીલ્યા.

ફટ રે! ભૂંડી તેજુડી, તું છેતરી શું ગઈ?

આવી જાણી હોત તો નાર કહી બોલાવત.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 270)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, માધવ મો. ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957