tapshi suraj tamne winawun re - Lokgeeto | RekhtaGujarati

તપશી સૂરજ તમને વિનવું રે

tapshi suraj tamne winawun re

તપશી સૂરજ તમને વિનવું રે

તપશી સૂરજ તમને વિનવું રે,

ઘડીએ વેલેરો ઊગ્ય વા’લા!

ઘડિયાં બે-ઘડિયાં શું રે કરું રે,

જેના વાલમ ગયા પરદેશ વા’લા!

વાલમ વળાવાને હું ગઈતી રે,

ધ્રુશકે તૂટ્યો હાર વાલા!

રોઈ રોઈ ભીંજાણી જાદર કાંચળી રે,

તૂટી છે કમખાની કસ વા’લા!

એક અંધારી ઓરડી રે,

બીજી અંધારી રાત વા’લા!

ત્રીજી ઝબુકે વાદળ વીજળી રે,

ચોથલા વરસે મેઘ વા’લા!

સસરો કહે વહુ છોકરું રે,

સાસુ કહે નાનું બાળ વા’લા!

જેઠ કહે હું એની વાત જાણું,

જેઠાણી કહે તરજાત વા’લા!

ભેંસ વિંયાણી પાડું પેટમાં રે,

દૂધનાં કચોળાં ભરાય વા’લા!

ચતુર હોય તો સમજી રે લેજો,

મૂરખ કરે છે વિચાર વા’લા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 100)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968