suwo suwo bawa ghoghar aawya - Lokgeeto | RekhtaGujarati

સૂવો સૂવો બાવા ઘોઘર આવ્યા

suwo suwo bawa ghoghar aawya

સૂવો સૂવો બાવા ઘોઘર આવ્યા

સૂવો સૂવો બાવા ઘોઘર આવ્યા :

ઢાંકણીઓ ઢંકાતા આવ્યા;

સૂપડીએ સંતાતા આવ્યા.

વાદળ જેવડો રોટલો લાવ્યા;

પૈડા જેવડો પાપડ લાવ્યા;

વાંસ જેવડા ચોખા લાવ્યા;

ચાળણી જેવડી દાળ લાવ્યા;

પૃથ્વીની પત્રાવળ કીધી;

સાગરનો તો પડિયો કીધો;

ઘોઘર સઘળા જમવા બેઠા,

નદીમાં સૌ નહાતા આવ્યા,

સૌ મળીને જમવા બેઠા.

જમતા જમતા વઢી પડ્યાં;

વઢતાં વઢતાં કોડી જડી.

કોડી લઈને ગાયને બાંધી;

ગાયે મને દૂધ આપ્યું.

દૂધ લઈને મોરને પાયું;

મોરે મને પીંછી આપી.

પીંછી લઈને રાજાને આપી;

રાજાએ મને ઘોડો આપ્યો.

ઘોડો લેઈ મેં બાવળીયે બાંધ્યો;

બાવળીએ મને શૂળ આપી.

શૂળ લેઈને મેં ટીંબે ખોસી;

ટીંબે મને માટી આપી.

માટી લેઈ કુંભારને આપી;

કુંભારે મને ઘોડો આપ્યો.

ઘોડો લઈ માળીને આપ્યો;

માળીએ મને ફૂલ આપ્યાં.

ફૂલ લેઈને દેવને ચઢાવ્યાં;

દેવે મને પરસાદ આપ્યો.

હાલો.......હોલો.....ભાઈને;

હાલોને ગોરી !

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 152)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, બાલા મજમુદાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963