suratman thayelan satimano garbo - Lokgeeto | RekhtaGujarati

સૂરતમાં થયેલાં સતીમાનો ગરબો

suratman thayelan satimano garbo

સૂરતમાં થયેલાં સતીમાનો ગરબો

‘આ અલજુગમાં રે, સતિમા જોર થયાં:

નાગર નાતમાં રે, માન ભલાં જો રહ્યાં.’

સરસ્વતી માતને વિનવું, ને ગણપતિ લાગુ પાય રે—સતીમા 1

સંવત સત્તરસત્તાણુંના, ભાદરવા વદ સાર રે;

એકાદશી શુભ વાર ગુરૂયે, સત ચડ્યું નિરાધાર રે—સતીમા 2

જે દહાડાના સ્વામિજી પધાર્યા, તે દહાડાનું જાણ્યં રે;

દૂધ પીને પ્રાણ રાખ્યો, ઘરમાં કોઈએ નવ જાણ્યું રે—સતીમા 3

પહેલા પહોરનું સત ચડ્યું, જે-વારનો કાગળ વાંચ્યો રે;

આત્મ રૂપ થઈ પોતે બેઠી, પુરવ જનમનો સાંચો રે—સતીમા 4

સુરતમાં એવો શો’ર થયો, જે નાગરમાં સતી થાય રે;

નાનાં મોટાં જેણે સાંભળ્યું, સૌ કો જોવા જાય રે—સતીમા 5

સગાં કહે રે, બાઈ! શું કરો છો? થાય છે આપણી હાંસી રે;

જ્યારે આપણને સંકટ પડશે, જાશે સઘળાં નાસી રે—સતીમા 6

તમને સંકટ શાનું છે રે? કોણ થયો વિકારી રે;

જે કહેશે તેને પડછો દેખાડું, મારી વાત છે સાચી રે—સતીમા 7

સંસારમાં બેન સર્વને હોય છે, એવી કરીએ વાત રે;

સગાં કહે, ‘બાઈ, છાનાં રહોને, કાંય કરો ઉત્પાત રે?”—સતીમા 8

શિવબાઈ કહે, “મને સત ચડ્યું છે, મારું સત છે સાચું રે;

માનવીઓ તમે નતી માનતા, માટે નથી કાંઈ કાચું રે”—સતીમા 9

કાગળ લઈ ખોળામાં બેઠાં, મારે તો હવે બળવું રે;

સગાંને હું શું કરૂં?, મારે સંસારને શું કરવું રે?—સતીમા 10

વળતી સતીમા એણી પેર બોલ્યાં, ‘માનવીઓ! તમો માનો રે;

નહિ તો સર્વે પ્રલયકાર વાળું, એટલું મનમાં આણો રે—સતીમા 11

લાલા સદાનંદે ઓરડે બેસાડી, બહારથી દીધું તાળું રે;

તાળું તો ભાંગી પડ્યું, ને હવે તો હવેલી બાળું રે—સતીમા 12

એક હાથમાં સોપારી, ને એક હાથમાં રૂપીઆ બેય રે;

લાલા સદાનંદ સતી કને આવી, પૂછે આમાં કહો શુંય રે? —સતીમા 13

સતીમા કહે, “રે લાલા સદાનંદ, અંબાનું નામ લે રે;

એક હાથમાં સોપારી છે, એકમાં રૂપીઆ બેય રે—સતીમા 14

કંકુ કહાડીશ હું ને દેખાડું,” સદાનંદ કહે “સાચું રે;

ચાલો હવે રજા લેવા જઈએ, એમાં નથી કાંઈ કાચું રે—સતીમા 15

લાલા સદાનંદ અસ્વાર થઈને, દરબારમાં તે આવ્યા રે;

ઠાકોર કરસનદાસ, મેતા માણેકચંદ, દિવાનજી બોલાવ્યા રે—સતીમા 16

ચારે મળી વિચાર કરીને, ખાં-સાહેબ કને આવ્યા રે;

ઠાકોર કરસનદાસે અરજ કરી, તવ માનેશું બેસાડ્યા રે—સતીમા 17

ખાંસાહેબે વાત પૂછી, તેનો ઉત્તર દીધો રે;

ત્યારે નવાબની રજા અપાવી, પડછો માની લીધો રે—સતીમા 18

લાલા સદાનંદ રજા લઈને, પોતે હવેલી આવ્યા રે;

આપ રૂપ થઈ સતીમા બેઠાં, સહુ કોને મન ભાવ્યાંરે—સતીમા 19

ચાકર નોકર સહુ કો માગે, “માતા! અમને આપો રે;”

હાથ ચોળી, અંગારા કહાડ્યા, બેટા બેઠા તાપો રે—સતીમા 20

લાલા સદાનંદ વિનતિ કરે છે, ઊબા બેઉ કર જોડી રે;

“કહો તો મા રથ મંગાવું, કહો તો મંગાવું ઘોડી રે”—સતીમા 21

સતીમા કહે, “રથ મંગાવો, બળદ આપણા જોડી રે.”

રમઝમ કરતાં સતીમા ચાલ્યાં, બેઠાં ચુંદડી ઓઢી રે—સતીમા 22

ઠામઠામથી લોક આવ્યા, કરે માંહોમાંહિ વાત રે;

સતીમા તવ તોરણે આવ્યાં, દીધા કંકુના હાથ રે—સતીમા 23

સતીમા તો રથમાં જઈ બેઠાં, પાસે બેન ને માસી રે;

નાગર લોક સહુ જોવા ઊભાં, દુર્લભ દર્શન કહાંથી રે? —સતીમા 24

લોક તણી બહુ ભીડ મળી, સહુ આડા અવળા દોડે રે;

જ્યારે સતીએ રથ ચલાવ્યો, ત્રણ ઘડી તવ દહાડે રે—સતીમા 25

નાણાવટમાં રથ ચલાવ્યો, સદાનંદ અસ્વાર થાયે રે;

રથ પાછળ લોક દોડે, “જે અંબે!” કહેતા જાયે રે—સતીમા 26

દોશીવાટથી રથ દોડાવ્યો, કેળાં પીઠમાં આવ્યો રે;

થાળી લઈ કંકુની રથમાં, બેઠાં જુહાર વધાવ્યો રે—સતીમા 27

લાલ દરવાજે થાપા દઈને, તહાંથી રથ ચલાવ્યો રે;

પવન વેગે રથ દોડાવ્યો, અશ્વિનીકુમારમાં આવ્યો રે—સતીમા 28

અશ્વિનીકુમારની વાટે આવી, ફરીને સતીમાએ આજ્ઞા કીધી રે;

વેરાગીના મઠ આગળથી, મશાલ લગાડી લીધી રે—સતીમા 29

અશ્વિનીકુમારથી રથ ચલાવ્યો, ગુપ્તેશ્વરની વાટે રે;

રથની પાછળ લોકો દોડે, ભત્રીજા બેઉ સાથે રે—સતીમા 30

ગુપ્તેશ્વરમાં રથેથી ઊતરતાં, મનમાં સંદેહ આવ્યો રે;

રથેથી ઊતરી સતીમાયે તો, સદાનંદ બોલાવ્યો રે—સતીમા 31

સતીમા કહે “રે લાલા સદાનંદ!’ સાંભળો મારી વાત રે;

સૂરજ દેવતા અસ્ત પામ્યા, ને હવે પડી છે રાત રે—સતીમા 32

લાલા સદાનંદ વિનતિ કરે છે, “એ વાતમાં છે ફાંશી (?) રે?

કદાપિ-સત ઊતરી જાશે, તો જગમાં થાસે હાંસી રે—સતીમા 33

“આટલો પરતો તમને દેખાડ્યો, તોયે તમો નહિ માનો રે;

મારૂં સત ઊતરે નહિ, તમે નિશ્ચે કરીને માનો રે—સતીમા 34

રાત વેળા અમો બળી મરીએ તો, સાંભળો બેન ને માશી રે;

નગરલોક સહુ એમ કરી કહેશે, સતી ગયાં છે નાસી રે—સતીમા 35

પાંચ દહાડાનું સત છે મારૂં, વાત કહું નિર્વાણ રે;

નગર સહુકો દેખતી હું, બળુ ઊગમતે ભાણ રે—સતીમા 36

રાતવેળા અમે બળી મરીએ તો, અમને લાગે પાપ રે;

અંતકાળે મારે બળી મરવું, નહિ બલ મા ને બાપ રે—સતીમા 37

આયુષથી તો સહુયે કહે છે, પણ આવે તે સતી રે;

સગાં સહુકો ઊભાં છે, નવ તોલે મહારી સતી વતી રે—સતીમા 38

સતી કહે, “લાલા સદાનંદ, સાંભળો મહારી વાત રે;

ચાલો હવે વાડીમાં જઈએ, હવે પડી છે રાત રે—સતીમા 39

ત્યાંથી સતીમાયે રથ ચલાવ્યો, મુનશી વાડીમાં આવ્યો રે;

રથેથી ઊતરી કરીને, સાથ સહુ બોલાવ્યો રે—સતીમા 40

આનંદી આનંદીમાં બેઠા, વાત કરે છે મીઠી રે;

જુગમાં સતી ઘણી થઈ, પણ એવી કોઈ નથી દીઠી રે—સતીમા 41

લાલા સદાનંદે માણસ મોકલી, પટેલને તેડાવ્યો રે;

સતી માતાનું નામ સાંભળી, તતક્ષણ દોડી આવ્યો રે—સતીમા 42

પટેલને તેડાવી કરીને, આપ્યા રૂપૈયા ચાર રે;

પછી તમને સરપાવ આપશું, કરો મઢુલી તૈયાર રે—સતીમા 43

જાઓ પટેલ ને તમે વહેલા થાઓ, ને રખે લગાડો વાર રે;

લાલા સદાનંદે પોતીકાં તાં, માણસ મોકલ્યાં ચાર રે—સતીમા 44

એમ કરતાં બહુ રાત ગઈ ને સાંભળો માહારા ગોર રે;

ચાલો આપણે કાંઠે જઈએ, રહ્યો છે પાછલો પહોર રે—સતીમા 45

ત્યાંથી સતીમા કાંઠે આવ્યાં, માન જશ ભલાં થાય રે;

ગોરને હાથે તુલસી લઈને, સતીમા નહાવા જાય રે—સતીમા 46

સતીમાતા તો નહાવા બેઠાં, ડૂબકી એકસો આઠ રે;

એક શ્વાસે ડૂબકી મારી, કોણે ઝાલ્યો હાથ રે—સતીમા 47

લાલા સદાનંદ કાંઠે ઉભા, વિશ્વાસ મનમાં નાવ્યો રે;

બ્રાહ્મણ પછવાડે મુકાયા, રખે તાપીમાં ઝંપલાવે રે—સતીમા 48

તેણે સમે નાહિને નીસર્યાં, ગાયની પૂજા કીધી રે;

ગોર ગોરાણી ગાય છે વચમાં, પ્રદક્ષિણા તાં કીધી રે—સતીમા 49

ગોર ગોરાણીને ઘરેણું આપ્યું, ગાયને નાખ્યું ઘાસ રે;

ગાય તળેથી સતીમા નીસર્યાં સૂરજદેવનું વાસ રે—સતીમા 50

ગાય ગોરને પગે લાગી, સતીમા કહે છે વાત રે;

‘ચાલો હવે હવન કરીએ, થોડી રહી છે રાત રે’—સતીમા 51

સતીમાતા હવને બેઠાં, વિધિ કહીને થાય રે;

પછવાડે જે લોક ઉભા, ‘જે અંબે’ કહેતાં જાય રે—સતીમા 52

સતીમાતા તો હવન કરે છે, લોક કરે છે વાત રે;

લાલા સદાનંદ સગાં સહોદરે, આપ્યાં નાળીએર સાત રે—સતીમા 53

સગાં સહુ નાળીએર આપીને, ઊભાં આંસુ પાડે રે;

સતી કહે, “તમે રોતાં રહોની”, બહેરાંને કોણ વારે રે?—સતીમા 54

સતી માતા તો હવને બેઠાં, પાસે કંકુની થાળી રે;

ચૂડો ઊતારી ગોરાણીને આપ્યો, માંહે રાખી વાળી રે—સતીમા 55

સતીમા હવન કરીને ઊઠ્યાં, હાથમાં લુગડાં લીધાં રે;

કાંઠે આવી, નાહિ કરીને, વિધિએ તરપણ કીધાં રે—સતીમા 56

સતીમાતાએ સર્વે કરીને, પહેર્યો ધોળો સાળુ રે;

પછી સતીમા મઢી કને આવ્યાં, વાત કરી છે વારૂ રે—સતીમા 57

મઢી આગળ તાંહ હવન કરીને, વાત કરે સ્વયમેવ રે;

એટલે તો પ્રભાત થયો છે, ઊગ્યા સૂરજદેવ રે—સતીમા 58

ત્યાંથી સતીમા ઊઠી કરીને સૂરજ-પૂજા કીધી રે;

સૂરજદેવની વિનંતી કરીને, આજ્ઞા માગી લીધી રે—સતીમા 59

સૂરજદેવની સ્તુતિ કરીને આજ્ઞા માગી લીધી રે;

મઢી આગળ આવી કરીને, પ્રદક્ષિણા પંચ દીધી રે—સતીમા 60

એક હાથમાં નાળિયેર લઈને, કાકડો હાથે લીધો રે;

મઢી આગળ ઊભાં રહીને, સૂરજને નમસ્કાર કીધો રે—સતીમા 61

લોક તણી બહુ ભીડ મળી છે, તેહને આઘા કહાડો રે;

જ્યારે સતીમા મઢીમાં પેઠાં, ત્યારે બે ઘડી ચડ્યો દા’ડો રે—સતીમા 62

જ્યારે સતીમા મઢીમાં બેઠાં, લાલા વેળીલાલ આવ્યા રે;

લોક સહુ આઘાં કરીને, વેણીલાલ બોલાવ્યા રે—સતીમા 63

લાલા વેણીલાલે પ્રણામ કરીને, સતીને વિનંતી કીધી રે;

સતીમાએ નાળિએર આપ્યું, આશિષ ઘણેરી દીધી રે—સતીમા 64

સતીમાતાના વચન થકી હું, વાણી કરૂં પરકાશ રે;

લાલા સદાનંદ મઢીના મ્હોં કને, લઈ ઊભા તરવાર રે—સતીમા 65

તેજ જ્યોતિ ત્રિભોવન માંહે, વરત્યો ‘જે જે’ કાર રે;

સતીમાતા કહે સંગાથે, મારો પાંચમો અવતાર રે—સતીમા 66

તમો જાણશો ચીસ પાડશે, લોક કરે બહુ શોર રે;

હું કાંઈ ચીસ પાડું નહિ, તમો છાના રાખો ઢોલ રે—સતીમા 67

લાલા સદાનંદ મઢી કને ઊભા, પાસે ઊભા પાળા રે;

સતીમાતાએ ઘી લઈને, ભિજવી એમની માળા રે—સતીમા 68

સતીમા કહે રે લાલા સદાનંદ, આવ્યું ધણીનું તેડું રે:

તમને તો હું એટલું કહું છું, માહરૂં વધાવજો દેહરૂં મોટું રે—સતીમા 69

પછી સતીએ સંભારીને, કાગળ ખોળામાં લીધો રે;

સતીમાયે પોતા-સ્વામિનો, જીવ સ્મરણ કીધો રે—સતીમા 70

અગર ચંદનનાં લાકડાં નાખી, માંહે તુલશીનાં કાષ્ટ રે;

પહેલાં પોતાના કેશ લગાડી, પછી લગાડ્યું ઘાસ રે—સતીમા 71

ચોહોગમથી અગ્નિ લાગ્યો, ઉપર નાખી ઘાસ રે;

સતીમાયે વિમાને કીધો, વૈકુંઠ કેરો વાસ રે—સતીમા 72

જ્યારે સતીની મઢી લાગી, ત્યારે થયો હંગામ રે;

કોઈ વધાવે સોપારી પૈસા, કોઈ વધાવે બદામ રે—સતીમા 73

કેટલાક ત્યાં સવારે આવ્યા, ઘણા રહ્યા છે રાત રે;

સતીમાતા અલોપ થયાં, તે જુગમાં ચાલી વાત રે—સતીમા 74

સંવત સત્તરસો સત્તાણના, ભાદરવા વદ સાર રે;

દ્વાદશી શુભ વાર ભૃગુએ, સતી થયાં નિરધાર રે—સતીમા 75

ગરબો જે ગાય સાંભળે, તેને વૈકુંઠ કેરો વાસ રે;

નરનારી જે સાંભળે, તે ફરી આવે ગર્ભવાસ રે—સતીમા 76

કણપીઠ કેશવ ચોકમાં તે અંબાજીનો ગુલામ રે;

તેણે ગરબો બાંધ્યો છે, નાનાસુત દુર્લભરામ રે—સતીમા 77

સતીમા ભેર થયાં નગરી ન્યાતે રે, નામ ઘણાં થયાં ખ્યાત રે—સતીમા 78

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, ડૉ. ચંદ્રકાંત બાપાલાલ પટેલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966