sundri paniyari - Lokgeeto | RekhtaGujarati

સુંદરી પાણિયારી

sundri paniyari

સુંદરી પાણિયારી

મારું સોનાનું છે બેડું, ઉઢાણી છે સવા લાખની,

અમે સાતે તે સહિયરો આસુર પાણી સાંચર્યાં,

સુંદરી ચ્યાંની તે પાણિયારી? આસુર.

છોકરા તારે શી પડાપૂછ, ચાલ્યો જા તારે મારગે,

સુંદરી ચ્યાંની છે પાણિયારી? આસુર.

મારું ગોકુળમથુરાં મહિયેર, ગોકુળ મારી સાસરી,

મારા ઉગમણા દરવાજા, આથમણા મારા ઓરડા આસુર.

સાસુજી મારા બેલીડાં ઝીલે, જીવણિયો મારો હૈયે ભલે,

જાજો મોચીડાને હાટે મોજડીનાં મૂલ આપજો આસુર.

જાજો સોનીડાને હાટે, કડલાંનાં મૂલ આપજો,

જાજો દોશીડાને હાટે, ચૂંદડીનાં મૂલ આપજો આસુર.

જાજો મણિયારીને હાટે ચૂડલાંનાં મૂલ આપજો,

જાજો માલીડાને હાટે ગજરાનાં મૂલ આપજો આસુર.

રસપ્રદ તથ્યો

(મોચીની વાડીની રાવળ સમુદાયની બહેનોએ આપેલું ગીત.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959