sundar shamaliya - Lokgeeto | RekhtaGujarati

સુંદર શામળિયા

sundar shamaliya

સુંદર શામળિયા

મેં તો અધમણ વરિયાળી મંગાવી, હો સુંદર શામળિયા!

મેં તો સારી કરી સોવરાવી, હો સુંદર શામળિયા!

મેં તો ઝીણી કરી દળાવી, હો સુંદર શામળિયા!

મેં તેના વળાવ્યા લાડુ, હો સુંદર શામળિયા!

હું તો કુંભારવાડે ચાલી, હો સુંદર શામળિયા!

મેં તો કોરી ગાગરડી લીધી, હો સુંદર શામળિયા!

મેં તો લાડવા તેમાં મૂક્યા, હો સુંદર શામળિયા!

મેં તો મોઢવામાં સંતાડ્યા, હો સુંદર શામળિયા!

મેં તો છાણાં થાપતાં ખાધા, હો સુંદર શામળિયા!

મારા નાના દેરીડાએ દીઠી, હો સુંદર શામળિયા!

મારી નાની નણદીએ દીઠી, હો સુંદર શામળિયા!

નણદીએ સાસુને સંભળાવ્યાં, હો સુંદર શામળિયા!

સસરાએ જેઠને સંભળાવ્યાં, હો સુંદર શામળિયા!

જેઠે ચોરે ચડી વાત કીધી, હો સુંદર શામળિયા!

ત્યાં મારા મૈયરનો એક ઢાઢી, હો સુંદર શામળિયા!

એણે જઈને વીરાને વાત કીધી, હો સુંદર શામળિયા!

વીર ચડ્યાઘોડે દોડી આવ્યા, હો સુંદર શામળિયા!

બેની શું ફોડ્યું ને શું ઢોળ્યું? હો સુંદર શામળિયા!

વીરા, નથી ફોડ્યું, મેં નથી ઢોળ્યું, હો સુંદર શામળિયા!

વીરા, નથી કર્યો ભંજવાડ, હો સુંદર શામળિયા!

વીરે ઊઠીને કૂઈઓ ગાળી, હો સુંદર શામળિયા!

મહીં ચારે કોર રૂ પથરાવ્યાં, હો સુંદર શામળિયા!

મહીં માણુ વીંછી મેલાવ્યા, હો સુંદર શામળિયા!

મહીં બે’નીને પધરાવ્યાં, હો સુંદર શામળિયા!

વીરે સાત સાત સોડ્યું લેવરાવી, હો સુંદર શામળિયા!

વીરે પાળ્યે બેસીને પોક મૂકી, હો સુંદર શામળિયા!

મારી હતી એવી બે’ની લાવો, હો સુંદર શામળિયા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા મણકો -૫ (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સંપાદક : ડૉ. મંજુલાલ ર. મજમુદાર, શ્રી બચુભાઈ રાવત, શ્રી મનુભાઈ જોધાણી, શ્રી દુલાભાઈ કાગ, શ્રી મેરુભા ગઢવી, શ્રી પુષ્કર ચંદરવાકર, શ્રી ચંદ્રકાન્ત વાઘેલા, શ્રી કનૈયાલાલ જોષી, શ્રી પ્રહ્લાદ પરીખ, સંપા. જોરાવરસિંહ ડી. જાદવ
  • પ્રકાશક : ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966