radha sona inDhoni - Lokgeeto | RekhtaGujarati

રાધા સોના ઈંઢોણી

radha sona inDhoni

રાધા સોના ઈંઢોણી

રાધા સોના ઈંઢોણી રૂપા બેડલું રે,

પાણી ગ્યાં’તાં, જલ જમનાનાં નીર રે;

સરખી સાહેલી મેણાં બોલીયાં રે.

રાધા, શીદને ઉપાડે પાણી આવીઆં રે?

તારો પરણ્યો પાડોશણને ઘેર રે;

દિવસ ઉગે ને ઘેર આવશે રે.

રાધા રીસ ભર્યાં ઘેર આવીઆં રે,

આવી, દીધાં ઓરડિયાનાં બાર રે;

દીધા મેડી કેરા દાદરા રે.

સાંજ પડી, ને વા’લો ઘેર આવીઆ રે,

રાધા, ખોલો ઓરડીઆનાં બાર રે;

ખોલો મેડી કેરા દાદરા રે.

જાવ જાવ રે ઝવેર સામી મેડીએ રે;

ન્યાં છે હીરનાં હીંડોળા એને ઘેર રે;

ભોજન જમીને વેલા આવજો રે.

રાધા નથી કોઈના ઘરનાં નોતરાં રે;

નથી કીધી અવળી સવળી વાત રે;

વનમાં ગોવાળિયે મને રોકીઓ રે.

રીસ ઉતારી રાધા મનાઈ ગયાં રે;

ખોલ્યાં ખોલ્યાં ઓરડીઆનાં બાર રે;

ખોલ્યા મેડી કેરા દાદરા રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 219)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966