sona rupana Dholiya re - Lokgeeto | RekhtaGujarati

સોના રૂપાના ઢોલિયા રે

sona rupana Dholiya re

સોના રૂપાના ઢોલિયા રે

સોના રૂપાના ઢોલિયા રે,

હીરે ભર્યાં છે વાણ; હરિ પોઢ્યા ઢોલિયે રે.

કરસનજી પોઢ્યા ઢોલિયે રે,

રાધાજી ઢોળે વાય; હરિ પોઢ્યા ઢોલિયે રે.

સાચાં મોતીનો વીંઝણો રે,

રાતલી દાંડી હાથ્થ; હરિ પોઢ્યા ઢોલિયે રે.

હાથેથી વછૂટ્યો વીંઝાણે ને,

મૂખડે વછૂટી ગાર્યું; હરિ મેણાં બોલીયા રે.

રાધાયે કાગળ મોકલ્યા રે,

દેજો દાદાને હાથ; હરિ મેણાં બોલીયા રે.

ઘોડે ચડી દાદો આવીઆ રે,

પૂછી રાધાને વાત; હરિ શું બોલીયા રે?

શું રે ઢોળ્યું, શું ફોડીયું, ને

શું રે કીધો ભંજવાડ? હરિ મેણાં બોલીયા રે?

નથી ઢોળ્યું, નથી ફોડિયું, ને

નથી કીજો ભંજવાડ; હરિ શું બોલીયા રે?

હાથેથી વછૂટ્યો વીંઝણો રે,

મૂખડે વછૂટી ગાર્યુ, હરિ મેણાં બોલીઆ રે.

આયરને ઘેર ઉછર્યો રે,

ભરવાડનો ભાણેજ, શું મેણાં બોલશે રે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 169)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966