sokhyna karaniye paranyo kaDlan re layo - Lokgeeto | RekhtaGujarati

સોખ્યના કારણિયે પરણ્યો કડલાં રે લાયો

sokhyna karaniye paranyo kaDlan re layo

સોખ્યના કારણિયે પરણ્યો કડલાં રે લાયો

સોખ્યના કારણિયે પરણ્યો કડલાં રે લાયો,

અમારા કારણિયે કાંય ના લાયો રે, કેસરીઓ લાલ;

અમારી ઉપરથી નજરું ઉતરી જઈ રે.

આયેલીને કારણિયે પરણ્યો કાંબિયું રે લાયો,

અમારે કારણિયે કાંય ના લાયો રે, કેસરિયો લાલ;

અમારી ઉપરથી દલડું ઉતરી જીયું રે.

લાયેલીને કારણિયે પરણ્યો ઘમચોરું લાયો,

અમારે કારણિયે કાંય ના લાયો રે, કેસરિયો લાલ;

અમારી ઉપરતી મનડું ઉતરી જીયું રે.

સોખ્યના કારણિયે પરણ્યો અમરવેલી લાયો,

અમારે કારણિયે ફાટેલ ગાભો રે, કેસરિયો લાલ;

અમારી ઉપરથી મીઠપું ઉતરી જીયું રે.

માનેતીને કારણિયે પરણ્યો ફૂલેલાં ફૂલ લાયો,

અમારે કારણિયે ધતૂરા ફૂલ રે, કેસરિયો લાલ;

અમારી પરથી વાલપ વઈ જઈ રે.

માનેતીને મો’લે પરણ્યો રાત દિ’ જાતો રે.

અમારી ઝૂંપડીયે ઘોર અંધારાં રે, કેસરિયો લાલ;

અમારી ઉપર નજરું ઓછી થઈ રે.

લાયેલીને નિત નિત લેર્યુ ને લેરખડાં,

અમારે રોવાનું રાતે પાણીડે રે, કેસરીયો લાલ;

અમારી આંખ્યુંમાં ઝાંખ્યું આઈ રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 251)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966