sitano rosh - Lokgeeto | RekhtaGujarati

સીતાનો રોષ

sitano rosh

સીતાનો રોષ

પંચવટીમાં રામે મઢી બનાવી,

લાખ આવે ને લાખ જાય રે.

જોગીના વેશે રાવણ આયો,

ભીક્ષા દોને સીતા માય રે.

ખાંધે તે લઈને રાવણ ચાલ્યો,

લંકા પુર મોજાર રે.

ધીમો ધીમે તે હાલ જોગીડા,

ભોમી ના ઝીલે તારો ભાર રે.

કહો તો સીતાજી સોના અંગુઠડી,

ઘડાવું નવલખો હાર રે.

રતને જડાવું તારો સોના ચુડલો,

છોડી દો રામનું નામ રે.

સોના અંગુઠીને શું રે કરૂં હું?

અગનિમાં હોમું તારો હાર રે.

પથ્થરે પછાડું તારો સોના ચુડલો,

જુગ જુગ જિયે મારા રામ રે.

ગઢ લંકાનુ રાજ ગયું, ને

રંડાઈ મંદોદરી નાર રે.

સતી સીતા મા રામને મળિયાં,

ઊતર્યા ભોમીના ભાર રે.

પંચવટીમાં રામે મઢી રે બનાવી,

લાખ આવે ને લાખ જાય રે.